વાતાવરણની અસરના કારણે બ્રિજના પિલર જોઇન્ટમાં તિરાડ પડી છે: સલામતી સામે કોઇ જ ખતરો નથી: ફરિયાદ મળતા મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ પર ધસી ગયા
શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે કોર્પોરેશન દ્વારા રૂ.124 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ફ્લાય ઓવર બ્રિજના લોકાર્પણના એક વર્ષમાં જ મોટી તિરાડો પડી ગયા હોવાની ફરિયાદો ઉઠતા આજે કોર્પોરેશનના મેયર સહિતના પદાધિકારીઓ તાબડતોબ સ્થળ પર દોડી ગયા હતા. વાતાવરણની અસરના કારણે બ્રિજના પિલરના જોઇન્ટ્સમાં તિરાડો પડી છે. જેનાથી સલામતી સામે કોઇ જ પ્રકારનો જોખમ નથી. છતાં સિટી એન્જીનિંયર સહિતના અધિકારીઓને તાત્કાલીક અસરથી સ્ટ્રક્ચર સેફ્ટી અંગેનો વિગતવાર રિપોર્ટ આપવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.
કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા તમામ બ્રિજમાં થોડા સમયમાં જ તિરાડો પડવા લાગે છે અથવા પોપડા ખરવા માંડે છે. હોસ્પિટલ ચોક બ્રિજમાં લોકાર્પણ બાદ એક જ વર્ષમાં તિરાડો દેખાવા માંડતા વાહનચાલકોમાં થોડો ભય વ્યાપી જવા પામ્યો છે. જો કે ભાજપના શાસકોએ ફરી એક વખત સબ સલામતનું સર્ટિફિકેટ આપી દીધું છે.
મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ હોસ્પિટલ ચોક આ ફ્લાયઓવર બ્રિજમાં તિરાડ પડેલ હોવા અંગે અહેવાલ આજે રૂબરૂ રજુઆત મળેલ હતી. રજુઆતને પદાધિકારીઓ દ્વારા ગંભીરતા લઈને ટેકનિકલ અધિકારીઓની ટીમને સાથે રાખીને હોસ્પિટલ ચોક ફ્લાયઓવર બ્રિજની સ્થળ મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત વેળાએ રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, સિટી એન્જી. એચ.યુ. દોઢીયા, એચ.એમ.કોટક પણ ઉપસ્થિત રહેલ હતા.
પદાધિકારીઓ દ્વારા સીટી ઇજનેરોને સાથે રાખી રૂબરૂ નિરીક્ષણ કરતા, સીઝનલ વાતાવરણની અસરના કારણે બ્રિજના પિલરની જોઇન્ટ્સમાં એક્સપાન્શન/કોન્ટ્રક્શનના કારણે તિરાડ થતી હોય છે, તેવી જ તિરાડ જોવા મળેલ છે. આમ, સલામતિની દ્રષ્ટિએ બ્રિજમાં કોઈ ગંભીર ખામી ક્ષતિઓ જોવા મળેલ નથી. આમ છતાં, રાહદારીઓની સલામતીને સ્પર્શતી બાબત હોઈ કોઈજ કચાશ રહી જવા ન પામે તે સુનિશ્ર્ચિત કરવા બ્રિજના સ્ટ્રક્ચરલ સેફટી અંગે ફરી એક વખત વિગતવાર તપાસ કરી રિપોર્ટ કરવા સીટી એન્જીનિયર સહિતના અધિકારીઓને સ્થળ પરથીજ જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.
બ્રિજમાં તિરાડ ભાજપના ભ્રષ્ટાચારનો બોલતો પૂરાવો: કોંગ્રેસ
શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા, ગોપાલભાઇ અનડકટ અને રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજમાં તિરાડ પડવી તે ભાજપના ભ્રષ્ટાચારનો બોલતો પૂરાવો છે. ગુજરાતમાં રોજેરોજ પુલ તૂટી રહ્યા છે. રાજકોટની વાત કરવામાં આવે તો આજીડેમ ચોકડી પાસે પણ બ્રિજની દિવાલ તૂટવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કુવાડવા રોડ પર પણ પુલનો એક ભાગ તૂટ્યો હતો. સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાના કારણે એક વૃદ્વાનું મોત થયું હતું. ભાજપના ભ્રષ્ટાચારના કારણે બ્રિજમાં તિરાડો પડી રહી છે. પોપડા પડી રહ્યા છે અને લોકોની સલામતી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.