- 2,93,520 કરદાતાઓએ વેરા વળતર યોજનાનો લાભ લીધો: 9,897 બાકીદારો હપ્તા યોજનામાં જોડાયા: આજથી પાંચ ટકા વળતર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને 2023-24ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં તા.1 થી 30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 5% અને મહિલા મિલ્કતધારકને 10% વળતર આપવામાં આવશે, તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને ઈ. ચા. મ્યુનિ.કમિશનર અનિલ ધામેલિયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
એપ્રીલ-મે માસમાં એડવાન્સ વેરા વળતર યોજનામાં કુલ 2,93,520 મિલ્કતધારકોએ કુલ રૂ. 198.09 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરો ન ભરનાર કુલ 1169 મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. શહેરના કુલ 1,99,619 મિલકતધારકોએ રૂ. 121.17 કરોડનો ઓનલાઇન વેરો ભરપાઈ કર્યો છે. જેમાં કુલ રૂ. 21.15 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ વધુ 26,666 કરદાતાઓએ રૂ. 40 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.
વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ સુધીમાં કુલ 9897 મિલકતધારકોએ લાભ લીધો જેમાં કુલ રૂ. 14.92 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો. જેમાં તા. 01-04-2023થી તા. 31-05-2023 દરમ્યાન કુલ 1349 મિલકતધારકોએ રૂ. 2.84 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.આજથી 20 જૂન સુધી એડવાન્સ ટેક્સ ભરપાઇ કરનાર કરદાતાને વેરામાં પાંચ ટકાથી લઇ 17 ટકા સુધીનું વળતર આપવામાં આવશે.