રસ્તા પર વાહનો આડા રાખી ટ્રાફિકજામ કરતા ટોળકીને ટપારતા થઈ માથાકૂટ
રાજકોટમાં ગુનાખોરીનો સ્કેલ સતત વધતો જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં ગુનેગારોને જાણે ખાખીનો ખોફ વિસરાય ગયો હોય તેમ સામાન્ય લોકો નહિ પરંતુ રાજકારણીઓને પણ હવે ગુનેગારો સરાજાહેર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. જેમાં રાજકોટના મવડી રોડ પર હિસ્ટ્રીશિટર સહિતના સાગરીતો રસ્તા પર વાહન આડા રાખી ટ્રાફિકજામ કરી આતંક મચાવતા હતા ત્યારે ભાજપ અગ્રણીએ તેઓને ટપારતા અગ્રણીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરની મવડીમાં રહેતો મિત ઉર્ફે ભાજી ખગ્રામ તેના બે સાગરીતો સાથે મવડી શાક માર્કેટ પાસે સાંજે નીકળ્યો હતો. તે દરમિયાન ભાજપ અગ્રણી અમિત બોરીચા સહિતનાઓએ તેને ટપારતા “તું તારું કામ કર નહિતર તારો શોખ પૂરો કરી નાખીશ” કહી જપાજપી કરી છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે મોકો જોઇને ભાજી ભાગી ગયો હતો પછી ફોન કરી ભાજપ અગ્રણીને મારી નાખવાની અને ઘરે આવતો નહિ નહીતર ઘર સળગાવી નાખીશ તેવી ધમકી આપતો હોવાથી આ અંગે ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. મિત અગાઉ રાહદારીઓને લાકડીઓથી માર મારવાના અને વાહનો સળગાવવા, હત્યાની કોશિષ,ચીલઝડપ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
મિત ઉર્ફે ભાજીએ ગઇ કાલે સાંજે પણ રસ્તા પર વાહનો રોકી ટ્રાફિકજામ કરી આતંક મચાવતો હતો. ત્યારે ભાજપ અગ્રણી અમિત બોરીચા ત્યાંથી નીકળતા હતા અને આમ કરવા અંગે મિત ઉર્ફે ભાજીને ટપાર્યો હતો. જેના કારણે બેખોફ બનેલા મિત ઉર્ફે ભાજીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.