કોંગી અગ્રણી અને તેના પિતા સહિત ત્રણ શખ્સો સામે
જમીનનો કબ્જો કરી પચાવી પાડવાનો ગુનો નોંધાયો હતો
રાજકોટના વાવડીની કરોડોની જમીન પચાવી પાડી રૂપિયાની માંગણી કર્યાની કોંગી અગ્રણી અને તેના પિતા સહિત શખ્સોસામે નોંધાયેલી લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ હાઈકોર્ટે રદ કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર રહેતા રેણુબેન યોગેન્દ્રભાઈ મહેતાના માતા મીનાબેન મહાસુખભાઈ પારેખે વાવડી સર્વે નં. 38 પૈકી 3 ની ખેડવાણ જમીન મુળ ખાતેદાર જાડેજા નટુભા નારણસિંહ વિગેરે પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી. સદરૂ જમીનમાં વર્ષ 2018માં લેન્ડ રેકર્ડની ભુલના કારણે 21 ગુઠા જમીન મૂળ ખાતેદારના ખાતામાં ચડેલ ન હતી જે લેન્ડ રેકર્ડના અધિકારીએ મામલતદારને રેકર્ડમાં સુધારો કરવા રજૂઆત કરી હતી જેની વધતી નવી જમીન 21 ગુઠા જગ્યા મામલતદારે સ્વ. મીનાબેન મહાસુખભાઈ પારેખના રેવન્યુ રેકર્ડમાં ઉમેરો કરતી નોંધ કરી હતી. જે અંગે મૂળ ખાતેદાર મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજાએ રેવન્યુ તકરાર ઉપસ્થિત કરી 21 ગુઠા પર જગ્યા પર કબ્જો કરવાનો પ્રયત્ન કરતા સ્વ. મીનાબેન પારેખના પુત્રી રેણુબેન યોગેન્દ્રભાઈ મહેતાએ ગત તા.3 જાન્યુ.ના રોજ તાલુકા પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ ગુનો નોંધી કનકસિંહ જાડેજા અને મહાવીરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.
તપાસના અંતે ગુનાના ચાર્જશીટમાં મહેન્દ્રસિંહ જાડેજા, હકુમતસિંહ જાડેજા, રાજગોપાલસિંહ જાડેજા અને શકિતસિંહ જાડેજા ભાગેડુ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ ગુનામાં મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા અને કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી કરી જેમાં બચાવ પક્ષના વકીલ દ્વારા લેન્ડ ગ્રેબીંગ કાયદાનો દુરઉપયોગ થયેલો છે. ફરિયાદ અનુસંધાને દાવા થયેલા છે મહેસુલ વિભાગમાં એન્ટ્રીઓ તકરારી થયેલી છે. તેવી રજૂઆત કરેલી તેમજ ફરિયાદીએ તેમના વકીલ મારફત હાજર રહી સમંતી આપતા હાઈકોર્ટના ન્યાયધીશે ફરિયાદ પીટીસન રદ કરવા હુકમ કર્યો છે.
આ કેસમાં હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે વિરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, યુવરાજસિંહ જાડેજા, કિરીટ નકુમ, હિમાંશુ પારેખ, જયવીરા બારૈયા, મીલન જોશી, દિપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા,કુલદીપસિંહ ચૌહાણ અને જયપાલસિંહ સોલંકી રોકાયા હતા.