- ગૃહકંકાશનો કરૂણ અંજામ
- બાળકીને ઝેરી પ્રવાહી પીવડાવ્યા બાદ માતાએ પણ ગટગટાવ્યું : દીકરીને બાથમાં દબાવી સુઈ જતાં માસુમનું મોત : માતા સારવાર હેઠળ
રાજકોટ શહેરમાં એક અત્યંત કરુણ બનાવ સામે આવ્યો છે. જેમાં ગૃહકંકાસે બે વર્ષીય બાળકીનો ભોગ લીધો છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં નિર્દયી માતાએ દીકરીને ઝેરી પ્રવાહી પીવડાવી પોતે પણ ગટગટાવી લઇ બાળકીને બાથમાં ભીડી સુઈ જતાં બાળકીનું મોત નીપજ્યું છે જયારે માતાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કણકોટ રોડ પર આવેલા અંબિકા ટાઉનશીપ નજીક ફ્લોરા પ્રાઈમ એપાર્ટમેન્ટમાં રહેતા કેવિનભાઈ જેન્તીભાઇ જસાણીની પત્ની નમ્રતાબેન જસાણીએ ગઈકાલે બપોરના આશરે બે વાગ્યાં આસપાસ પોતાની 21 માસની દીકરી જીયા કેવિન જસાણીને ઝેરી પ્રવાહી પીવડાવી દીધું હતું અને ત્યારબાદ માતાએ પણ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. જે બાદ નિર્દયી માતા માસુમ બાળકીને બાથમાં દબાવી સુઈ ગઈ હતી. ઝેરી પ્રવાહીના લીધે બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું જયારે માતાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકીના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે બનાવ પાછળનું કારણ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફ્લોરા પ્રાઈમ એપાર્ટમેન્ટમાં રહેતા કેવિન જસાણી પોતે કારખાનામાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. કેવિન જસાણીની પત્ની અને માતા હંસાબેન જેન્તીભાઇ જસાણી વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી હોય જે ગૃહકંકાસમાં તબદીલ થયાં બાદ પરણિતાએ પગલું ભરી લીધાનું પરિજનોએ જણાવ્યું છે.
ગઈકાલે બપોરે આશરે બે વાગ્યાં આસપાસ પરિણીતાએ પ્રથમ ટોયલેટ સાફ કરવા ઉપયોગમાં લેવાતું હાર્પિક લીકવીડ પહેલા પોણા બે વર્ષની દીકરીને પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધું હતું. જે બાદ માતા બાળકીને બાથમાં દબાવી લઇ સુઈ ગઈ હતી. બાળકીની નિર્દયતાથી હત્યા કરનાર માતાની પણ હાલ સારવાર ચાલી રહી છે.
મોરબીના કેશવ પ્લાઝા પાસે મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા અજાણ્યા યુવાને સારવારમાં દમ તોડ્યો
મોરબીના કેશવ પ્લાઝા પાસે ગઈકાલે મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અજાણ્યા યુવાનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. હજુ સુધી મૃતકની ઓળખ થઇ શકી નથી. મૃતકની ઉંમર અંદાજિત 33 વર્ષ હોવાનું પ્રાથમિક તારણ છે. હાલ મોરબી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે જયારે જીવલેણ ઇજા પહોંચાડી યુવાનને મોતને ઘાટ ઉતારનાર શખ્સોની ઓળખ મેળવી ધરપકડ કરવા પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.