શ્રી આશાપુરા મંદિર સંભાળવા માટે નોંધ પાડવાનું કહી સહી કરાવી લીધાની બહેને અદાલતમાં દાદ માંગી
રાજકોટના રાજવી પરિવારમાં માધાપર અને સરધારની જમીન અંગેનો રહી હતી પણ હવે રાજપરિવારની તમામ સંપત્તિમાં હિસ્સો મેળવવા બહેન અંબાલિકાદેવીએ છેતરપિંડીના આક્ષેપ સાથે માંધાતાસિંહ, તેમના માતા અને અન્ય બે બહેનો સહિત ચાર સામે સિવિલ કોર્ટમાં કરેલા વિવિધ દાદ માંગતા દાવામાં આજે પ્રથમ સુનાવણીમાં માંધાતાસિંહ તરફે જવાબ રજૂ કરવા 30 ઓગષ્ટ મુકરર કરાઇ છે.
અંબાલિકા દેવીએ સિવિલ કોર્ટમાં દાવામાં જણાવ્યું છે કે, તે જૂન 2019માં માતાને મળવા માટે રાજકોટ આવતા તે સમયે માંધાતાસિંહે કહ્યું હતું કે, પેલેસ રોડ પર જે આશાપુરા મંદિર છે તે જગ્યા વડીલોપાર્જિત છે અને પોતે સારસંભાળ કરે છે. મંદિર સિટી સરવે નં. 1109, વોર્ડ નં. 5માં છે અને 1396 ચોરસ મીટર જગ્યા છે. મંદિરની સારસંભાળમાં ભવિષ્યમાં સહમાલિક તરીકે સહીની જરૂર ન પડે અને કાયદાકીય અડચણ ઊભી ન થાય તેવું કહીને મંદિરની જગ્યા માટે રિલીઝ ડીડ કરાવવા કહ્યું હતું.
આ માટે 1.5 કરોડ રૂપિયા આપ્યા હતા જેમાંથી 10 લાખ આરટીજીએસએથી જ્યારે 1.40 કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ પેલેસ રોડ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકનો આપ્યો હતો. તે વખતે વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો જાળવી રાખશે અને પાંચમા ભાગે આવતી મિલકતો નામે કરાવી આપશે તેવું વચન આપીને રિલીઝ ડીડ અને બે પાવર ઓફ એટર્ની કરાવી હતી.
દરમિયાન થોડા સમય બાદ જ્યારે 135 ડીની નોટિસ શરૂ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે મંદિરની રિલીઝ ડીડના બહાને બધી મિલકતો ગેર રજૂઆતથી લખાવી લીધી છે. અને તેથી આ ડીડ નલ એન્ડ વોઈડ છે. અને પોતે તમામ વારસાઈ મિલકતમાં હિસ્સેદાર હોવાના મતલબની પણ દાદ માંગી છે.
અંબાલિકાદેવીએ દાવામાં એમ પણ જણાવ્યું હતું કે, પોતાને અંધારામાં રાખીને એક ભાઈ-બહેનના સંબંધ ઉપર વિશ્વાસઘાત કરી બહેન પાસેથી ખોટી રીતે સંમતિ મેળવી લીધી છે જે બંધનકર્તા નથી. આ દાવા અંગેની પહેલી સુનાવણી સ્પે. સિવિલ કોર્ટમાં આજે રાખવામાં આવતા તેમાં સામાવાળા માંધાતાસિંહ વતી એડવોકેટ પ્રફૂલ્લભાઈ દોશીએ હાજર થઇને જવાબ માટે મુદત માંગતા સિવિલ જ્જ દ્વારા 30 ઓગષ્ટની તારીખ અપાઇ છે. આ કેસમાં અરજદાર વતી એડવોકેટ કેતન સિંધવા રોકાયા છે.