27 નિર્દોષના મોત મામલે હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચ સમક્ષ વધુ એકવાર હિયરિંગ
રાજકોટ ટીઆરપી ગેમઝોનની ગોઝારી દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભડથું થતાં રાજકોટની સાથે આખુ રાજ્ય હિબકે ચડ્યું હતું. ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગમાં જીવતા ભડથું થનારા બાળકો સહીતની મરણચિસોથી આખુ શહેર ધ્રુજી ઉઠ્યું હતું. મૃતકોના પરિજનોના કલ્પાંતથી કઠોર મનના માનવીની આંખમાંથી પાણી વહી ગયા હતા. ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી આ દુર્ઘટના મામલે હાઇકોર્ટએ સૂઓમોટો લીધો હતો. જે અંગે આજે વધુ એકવાર હાઇકોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે.
25 મે અને શનિવારની સાંજે બનેલી આ ગોઝારી ઘટના બાદ બીજા જ દિવસે એટલે કે રવિવારે હાઇકોર્ટએ સૂઓમોટો લીધો હતો. આ કેસની સુનાવણી હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે પ્રથમ સુનાવણીમાં જ કહ્યું કે આ માનવસર્જિત આપત્તિ છે. કોર્ટે કહ્યું હતું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે નિયમિત અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. આ સાથે કોર્ટે કહ્યું કે અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગેમિંગ ઝોન જાહેર સલામતી માટે જોખમી છે.
હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્પષ્ટતા માંગી હતી.ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન ઉપર ગત સુનાવણીમાં ફાયર સેફટી મુદ્દે સરકારએ જવાબ રજૂ કર્યો હતો. તેમાં સરકારે શિસ્ત સંબંધી પગલા લીધા હોવાનો સરકારનો જવાબ આપ્યો હતો. તેમજ સરકારે જણાવ્યું હતું કે 55344 સ્કૂલમાંથી 11, 451માં ફાયર એનઓસી નથી. રાજ્યની 43,893 સ્કૂલોને સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે. હાલ 9,563 શાળાઓ પાસે ફાયર એનઓસી છે.
21મીએ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા આદેશ
ટીઆરપી અગ્નિકાંડના કેસમાં ગઈકાલે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રથમ મુદ્દતે સુનાવણી થઈ હતી. જેમાં 21મીએ તમામ આરોપીઓને હાજર રહેવા યાદી કરાઈ હતી. સરકાર તરફે સ્પે.પીપી હાજર રહ્યા હતા. જ્યારે પક્ષકારો તરફેના વકીલે ચાર્જશીટનો અભ્યાસ કરવા તેની નકલો માંગી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. ચાર્જશીટ ફાઈલ કરવા માટે 90 દિવસ મળે છે. પણ અગ્નિકાંડમાં આ સમયગાળા કરતા વહેલા 60 દિવસમાં પોલીસે ચાર્જશીટ તૈયાર કરી હતી. કેસની તપાસ લાંબી ચાલી છે. અનેક સાહેદોના નિવેદનો લેવાયા છે. સાક્ષીઓના નિવેદન લેવાયા છે. અનેક કર્મચારીઓ અધિકારીઓની પણ પૂછપરછ થઈ છે. જેથી તેના કાગળો તૈયાર થયા છે. આ તમામ પુરાવા, નિવેદન પોલીસે ચાર્જશીટના સ્વરૂપમાં કોર્ટને આપ્યા છે. ચાર્જશીટ થઈ જતા કોર્ટમાં આ કેસની પ્રથમ તા.7/8/2024 મુકરર કરાઈ હતી. જેથી આજે કોર્ટમાં સરકાર તરફે સ્પે. પીપી તુષાર ગોકાણી હાજર રહ્યા હતા. આ તકે કોર્ટે જેલમાં રહેલ તમામ આરોપીઓને તા.21/8/2024ના રોજ કોર્ટમાં હાજર રહેવા યાદી કરી છે. હવે આરોપીઓએ આવતી 21/8/2024ના રોજ જાતે હાજર રહેવાનું રહેશે.
કોણ કોણ છે આરોપી?
આરોપીઓમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડનો સમાવેશ થાય છે. અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા છે.