વુધ્ધાની હત્યા કરી લૂંટ ચલાવ્યા બાદ બે દિ બાદ બાળકીની કરી હત્યા
વૃધ્ધાના હત્યાના ગુનામાં પોલીસ કસ્ટડીમાં રહેલા નરાધમ સીસીટીવી ફૂટેજના આધારે ઓળખાયો’તો
સાયોગિક પુરાવાને જોડતી મજબુત કડીથી કેસ મહત્વનો સાબિત થયો
૪૫ દસ્તાવેજી પુરાવા ઉપરાંત ૧૩ સાહેદોની જુબાનીના અંતે આરોપીને અદાલતે ગુન્હેગાર ઠેરવ્યો
રાજકોટ સહિત રાજ્ય ભરમાં ચકચાર મચાવનાર અને રાજકોટ પોલીસ માટે પડકાર જનક કહી શકાય તેવા માસુમ બાળકીનુ અપહરણ કરી દુષ્કર્મ આચરી અને પથ્થરના ઘા ઝીંકી ક્રુરતાથી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં રાજકોટની સ્પે. પોકસો અદાલતે બે વર્ષમાં કેસ ચલાવી આરોપીને હત્યાના ગુનામાં ફાંસી, દુષ્કર્મના ગુનામાં આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મઘ્ય પ્રદેશના વતની અને હાલ શહેરના વાણીયાવાડી વિસ્તારમાં આવેલ જલજીત હોલ પાસે બાંધકામની સાઈટ પર રહી પેટીયુ રળતા શ્રમિક પરીવારની ત્રણ વર્ષની ફુલ જેવી માસુમ બાળકીના અપહરણની ફરીયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે મહત્વની દુષ્કર્મ અને મર્ડરનો ભેદ ઉકેલ્યો હતો.
શહેરના પરાબજાર કૃષ્ણપરા-૧ માં લાલજી ટાવર સામે રહેતા અસ્માબેન હાતિમભાઈ સીદીકી પોતાની પુત્રી બતુલબેન યુસુફભાઈના ઘરે ગયા હતા અને ત્યાંથી ભગવતીપરામાં જવા રીક્ષામાં બેસી ગયા બાદ લાપતા થઈ ગયાની મૃતકના પુત્ર મોઈઝ સાદીકોટે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
ગુમ થયેલા આસ્માબેનની હત્યા કરાયેલી લાશ સોખડા જવાના રસ્તે મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો. જેમાં વૃઘ્ધા રીક્ષામાં બેસીને ગયા હોવાના આધારે સીસી ટીવી કેમેરા ચેક કરતા જેમાં રીક્ષા નંબર મળી આવતા પોલીસે રીક્ષા નંબરના આધારે રીક્ષા માલીક ભગવતીપરાનો યુનુસ અલ્લારખા હોવાનુ જાણવા મળતા પોલીસે યુનુસની પુછતાછ કરતા તેણે આ રીક્ષા સાત હનુમાન પાસે કીંગ ફાર્મ હાઉસ પાસે બહેનના ઘરે રહેતા રમેશ બચુ વેધુકીયાને ભાડે આપ્યા હોવાનુ ખુલતા પોલીસે તેને ઝડપી લીધો હતો.
પોલીસે રમેશ વેધુકીયાની પ્રાથમીક તપાસમાં બંગડી બજારમાંથી વૃઘ્ધાને બેસાડી ભગવતીપરામાં લઈને જતો હતો તે દરમ્યાન રીક્ષા ચાલક રમેશને ખ્યાલ આવ્યો કે વૃઘ્ધા આસ્માબેનને ઓછુ દેખાતુ હોવાથી રીક્ષા માલીયાસણ અને ત્યાંથી સોખડા જવાના માર્ગે લઈ જઈ વૃઘ્ધાને રીક્ષામાંથી નીચે ઉતારી ધક્કો મારી માથામાં પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી સોનાનાં ઘરેણાની લુંટ ચલાવ્યાની કબુલાત આપી હતી.
ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકીની હત્યા કરાયેલો મૃતદેહ ભાવનગર રોડ પર જુની પીટીસી કોલેજના અવાવરૂ સ્થળેથી મળી આવતા પોલીસે બાળકીનો મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. કરાવતા બાળકી ઉપર દુષ્કર્મ આચરી પથ્થરના ઘા ઝીંકી ક્રુરતા પુર્વક હત્યા નિપજાવ્યાનુ ખુલ્યું હતુ.
દુષ્કર્મ અને હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ માટે પડકાર જનક હતો ક્રાઈમ બ્રાંચ સહિત અલગ-અલગ ૮ ટીમો બનાવી હત્યા અને દુષ્કર્મનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો ત્યારે પી.આઈ. કે.કે.ઝાલા સહિતની ટીમે સીસી ટીવીના આધારે હત્યા અને દુષ્કર્મનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં વૃઘ્ધાની હત્યા અને લુંટના બનાવમાં સંડોવાયેલો અને કુવાડવા રોડ પોલીસ મથકનાં રીમાન્ડમાં રહેતો રમેશ વેધુકીયાએજ બાળકીનુ અપહરણ કરી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતાર્યાનુ ખુલતા પોલીસે રમેશ વેધુકીયા કુવાડવા પોલીસ મથકના સ્ટાફ પાસેથી કબ્જો સંભાળ્યો હતો.
પોલીસે રમેશ વેધુકીયાની ધરપકડ કરી પ્રાથમીક પુછપરછ કરતા તે એકલાવાયુ જીવન જીવતો હતો અને રીક્ષા લઈને જલજીત હોલ નજીકથી નીકળ્યો ત્યારે બાળકી રેતીના ઢગલા પર રમતી હતી ત્યારે અપહરણ કરી ભાવનગર રોડ પર અવાવરૂ સ્થળે લઈ જઈ બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ અને બાળકી રડવા લાગતા પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. અને બાળકીની હત્યા બાદ સાત હનુમાન નજીક પાનની દુકાને ગયો ત્યારે વેપારીએ તેને પુછયું કે લોહીના ડાઘા સેના છે ત્યારે તેણે જણાવ્યુ કે પડી ગયો હતો.
પોલીસે તપાસ પુર્ણ થતા બે માસમાં અદાલતમાં ચાજર્શીટ રજુ કર્યુ હતુ. અને આ કેસની સુનાવણી સ્પે.પોકસો કોર્ટમાં હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની સુનાવણીના અંતે સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા દ્વારા કરવામાં આવેલી દલીલમાં મૃતકના અને આરોપીના કપડા પર લોહીના નીશાનને ડીએનએ તેમજ સમાન નીકળતા લેખીત-મૌખીક દલીલના તેમજ ૪૫ દસ્તાવેજી પુરાવા, ૧૩ સાહેદો, તપાસનીશ અને તબીબની જુબાનીના અંતે અધિક સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે આરોપી રમેશ વેધુકીયાને હત્યાના ગુનામાં ફાંસી અને દુષ્કર્મના ગુનામાં આજીવન કેદ તેમજ દંડ ફટકારતો હુકમ કર્યો છે.
રાજકોટમાં ૩૮ વર્ષ બાદ અદાલતે પાંચમા આરોપીને આપી ફાંસીની સજા
રાજકોટમાં ૩૮ વર્ષ પૂર્વે ત્રીપલ હત્યામાં સંડોવાયેલા આરોપી શશીકાંત શ્રીમાળીને ૧૯૮૯માં, ૧૯૬૨માં ચુનીલાલ જાદવને, ૧૯૬૫માં બટુક રાઘવને અને ૧૯૬૫માં જે.કે. રોજાને અદાલતે ફાંસીની સજા આપી હતી. આ કેસમાં શશીકાંત શ્રીમાળીએ એડવોકેટ દ્વારા નોકરી સંદર્ભે મજુર અદાલતમાં ચાલી રહેલા કેસમાં વિલંબથી અને પોતાના વકીલની ભુમિકાથી શંકાના કિડા સાથે ઉશ્કેરાઈને વકીલનાં પરીવાર પર હુમલો કરીને ત્રીપલ હત્યા નિપજાવી હતી. જેમાં અદાલતે શશીકાંત શ્રીમાળીને દોષીત ગણી ફાંસીની સજા ફટકારી હતી.
આરોપીના બચાવ માટે સરકારે વકીલ ફાળવેલ
બે વર્ષ પૂર્વે માસુમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી અને ક્રુરતા પુર્વક મોતને ઘાટ ઉતારવાના બનાવને પોલીસે રમેશ વેધુકીયાની ધરપકડ કરી હતી જે મામલે રાજકોટ બાર એસો. દ્વારા આરોપી તરફે વકીલ તરીકે ન રોકાવા કરેલા ઠરાવ બાદ પરંતુ બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર દ્વારા આરોપીના બચાવ અર્થે ધારાશાસ્ત્રી ફાળવવા આવેલ હતા.
જુબાની દરમિયાન મૃતક પુત્રીના પિતા રડી પડયા અને આરોપીને ફાંસીની સજા સુધી દોરી ગયા : જિલ્લા સરકારી વકીલ
માસુમ બાળકી ઉપર દુષ્કર્મ અને મોતને ઘાટ ઉતારવાની કેસની સ્પેશ્યલ અદાલતમાં સુનાવણી દરમ્યાન મૃતક બાળકીના પિતા જુબાની આપવા અદાલતમાં હાજર હતા ત્યારે અદાલત દ્વારા મૃતક પુત્રીના કપડા પિતાને દેખાડવામાં આવતા કપડા જોઈ પિતા ધ્રુસકેને ધ્રુસકે અદાલતમાં રડી પડયા હતા અને અદાલતમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ત્યારે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ આરોપી દ્વારા આચરેલા જધન્ય કૃત્યને હળવાસથી લઈ શકાય નહીં અને ફાંસીની સજા આપવાની અદાલત સમક્ષ માંગ કરી હતી અને આરોપી રમેશ વેધુકીયાને ફાંસીની સજાનો હુકમ અદાલતે કર્યો છે.