તેઓના પતિ રૂ. 2.38 કરોડના આસામી, બે સ્થળે ખેતીની જમીન, એક પ્લોટ અને 2 મકાન
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર ભાજપ પક્ષના ભાનુબેન બાબરીયાએ ઉમેદવારી નોંધાવી છે તેઓએ ફોર્મમાં રજૂ કરેલા સોગંદનામાં પોતાની અંગત વિગતો દર્શાવી હતી જેમાં તેઓએ રૂ.40 લાખની મિલકત દર્શાવી છે. જ્યારે તેઓના પતિ પાસે 2.38 કરોડની મિલકત દર્શાવી છે.
ભાનુબેન બાબરીયા પાસેની મિલકતની વિગતો જોઈએ તો હાથ પર રોકડ રૂ.27 હજાર, બેંકમાં ક્રમશ: 71 હજાર, 92 હજાર, 500 ગ્રામ સોનુ, અરડોઇ ખાતે ખેતીની જમીન મળી કુલ રૂ. 40. 90 લાખની મિલકત છે.
જ્યારે તેઓના પતિ મનોહરભાઈની મિલકત જોઈએ તો હાથ પર રોકડ રૂ. 36 હજાર, બેક ખાતામાં ક્રમશ: 1 લાખ, 4 લાખ, 14 લાખનું શેરમાં રોકાણ, અનેક વિધ પોલિસી, 2 હોંડા એક્ટિવા, એક ઇનોવા, 100 ગ્રામ સોનુ, લાપસરી અને કોઠારીયા ગામે ખેતીની જમીન, કુંડલ ગામે પ્લોટ, રૈયામાં વાણિજ્યક મકાન, નવા થોરાળામાં તથા અનામિકા સોસાયટીમાં રહેણાંક મકાન મળી કુલ રૂ. 2.38 કરોડની મિલકત છે. ભાનુંબેન ઉપર કોઈ દેવું નથી. તેઓના પતિ ઉપર એચડીએફસી બેંકની રૂ. 16 લાખની કાર લોનની જવાબદારી છે.
ભાનુબેનની છેલ્લા વર્ષની વાર્ષિક આવક રૂ.4.82 લાખ
ભાનુબેન બાબરીયાએ કણસાગરા કોલેજમાં બીએ અને પોરબંદરની ડીડીકે લો કોલેજમાં બીએ એલએલબી કરેલ છે. તેઓની છેલ્લા વર્ષની વાર્ષિક આવક 4.82 લાખ છે જ્યારે તેમના પતિ મનોહરભાઈની છેલ્લા વર્ષની વાર્ષિક આવક રૂ. 3.40 લાખ છે.