- રંગોળી દોરી મોદીજીની આવકારતો ભાજપ મહિલા મોરચો
- રેસકોર્સ રિંગ રોડને દુલ્હનની માફક શણગારાયો: દિવાળી સુધી રોશની યથાવત રખાશે
- એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધીના રોડ-શોમાં વડાપ્રધાનને વધાવવા અઢારેય વરણમાં સ્વયંભુ જુવાળ
- સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ, નાનામવા સર્કલ બ્રીજ અને રામાપીર ચોકડી બ્રીજનું લોકાર્પણ થતાની સાથે જ શહેરની રોનકને ચાર ચાંદ લાગ્યા
- કલેકટર કચેરી, કોર્પોરેશન કચેરી, પોલીસ કમિશનર ઓફિસ, સર્કિટ હાઉસમાં રોશનીનો ઝગમગાટ: જાહેરસભામાં દોઢ લાખથી વધુની મેદની ઉમટી પડતા સમિયાણા ટૂંકા પડયા:
- લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે સ્ટેજ પર જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેર ભાજપના તમામ વોર્ડના પ્રમુખોને મળ્યાં
- એઇમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિતની અનેકવિધ ભેટ રાજકોટને આપનાર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હેતથી આવકારતા રાજકોટવાસીઓ: શહેરભરમાં ભારે હડપ: રાજ માર્ગો પર વડાપ્રધાનને આવકારતા મહાકાય હોડિંગ લાગ્યા: ભાજપના મહિલા મોરચાના કાર્યકરોએ ઘર આંગણે મોદીને આવકારતી રંગોળી બનાવી
- રાજકોટવાસીઓને અભૂતપૂર્વ સ્નેહ જોઇ ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગદગદીત: શહેર ભાજપ અને વહિવટી તંત્રની મજબૂત વ્યવસ્થા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકોટ શહેરમાં ત્રીજી જાહેર સભા
- બીજા રોડ-શો: લોકોના હૈયા પુલકીત: સૌરાષ્ટ્રભરના ભાજપ કાર્યકરો અને વિશાળ જન મેદની વડાપ્રધાને સાંભળવા ઉમટી પડી: વિધાનસભાની ચૂંટણી પૂર્વ ભાજપના કાર્યકરો આગેવાનોને મળ્યો બુસ્ટર ડોઝ
નોખી માટીના માનવી, વૈશ્ર્વિક લીડર, લોકલાડીના રાજનેતા, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આજે રાજકોટમાં આગમન થતાની સાથે જ રાજકોટવાસીઓના હૈયા ઉત્સાહથી ખીલી ઉઠયા હતા. નરેન્દ્રભાઇ મોદી તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈના ગગન ભેદી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. વડાપ્રધાનને આવકારવા માટે અઢારેય વરણના લોકો રોડ-શોમાં ઉત્સાહભેર ઉમટી પડયા હતા. તમામ સરકારી કચેરીઓને નવી નવેલી દુલ્હનની માફક શણગારવામાં આવી છે. રેસકોર્સ રિંગ રોડ ફરતે નયન રમ્ય રોશની કરવામાં આવી છે રાજકોટમાં જાણે પાંચ દિવસ વહેલી દિવાળી આવી ગઇ હોય તેવો અભૂતપૂર્વ માહોલ જોવા મળી રહ્યો છે.
રેસકોર્સ રિંગ રોડ ફરતે કરવામાં આવેલી રોશની દિવાળી સુધી યથાવત રાખવાનો નિર્ણય રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો રાજકોટમાં ભવ્યાતિ ભવ્ય રોડ-શો અને જંગી જાહેરસભા યોજાઇ રહી છે. પોતાના લોકલાડીલા નેતાને ઉમળાભેર આવકારવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. રોડ-શોમાં અઢારેય વરણના લોકો દ્વારા વડાપ્રધાનને ઉમળકા ભેર આવકરવામાં આવ્યા હતા. જેનાથી ખુદ નરેન્દ્રભાઇ પણ ગદગદતી થઇ ગયા હતા. છેલ્લે નરેન્દ્રભાઇ વર્ષ 2018 માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને આવાસ યોજનાના લોકાર્પણ માટે રાજકોટ પધાર્યા હતા.
ત્યારે તેઓએ ચૌધરી હાઇસ્કુલમાં જાહેરસભા સંબોધી હતી જો કે રોડ-શો તો વર્ષ 2017 માં યોજયો હતો. તે સમયે આજી ડેમથી એરપોર્ટ સુધી 6 કિલોમીટરનો વિશાળ રોડ-શો યોજવામાં આવ્યો હતો. આજે ભલે રોડ-શો નો રૂટ ટૂંકો હોય પરંતુ લોકોનો ઉત્સાહ સવાયો હતો. વડાપ્રધાનના આગમનના કલાકો અગાઉ લોકો મોદીની એક ઝલક પામવા માટે રોડ પર ગોઠવાય ગયા હતા. રોડ-શો દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા. વંદેમારતમ, ભારત માતા કી જય, નરેન્દ્રભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું.શહેરી ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા પોતાના નિવાસ સ્થાને પટાંગણમાં મોદીજીને આવકારતી નયન રમ્ય રંગોળી બનાવવામાં આવી હતી. નાના ભૂલકાઓથી માંડી વડીલો સુધીના નાગરીકો માથા પર ભાજપની ટોપી અને મોદીના માસ્ક પહેરી રોડ-શોમાં ઉત્સાહભેર જોડાયા હતા.
ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્વ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજ અને આવતીકાલનો ગુજરાત પ્રવાસ અંતિમ માનવામાં આવી રહ્યો છે. ત્યારે આજે જુનાગઢ અને રાજકોટમાં વડાપ્રધાનની જાહેરસભા અને રોડ-શોથી ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહનો સંચાર થયો છે. આજે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના પાંચ સહિત રાજયના અલગ અલગ જિલ્લામાં પી.એમ. દ્વારા 15670 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું હતું.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડો.વલ્લભભાઇ કથિરીયાના યાદગાર સંભારણા
પૂર્વ કેબીનેટ મંત્રી અને ગૌ સેવા આયોગના પૂર્વ ચેરમેન ડો.વલ્લભભાઇ કથિરીયાએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી રાજકોટ પધારી રહ્યાં છે ત્યારે યાદગાર સંસ્મરણો વાગોળ્યાં હતાં. તેઓએ કચ્છ-ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલ કે જે 200 કરોડના ખર્ચે ભૂકંપ પછી ખાતમુહુર્ત કરાઇ હતી ત્યારે અને સોમનાથ દર્શનાર્થે આવેલા અટલ બિહારી બાજપાઇ અને અડવાણીજી સાથે મોદીજી પધાર્યા હતા ત્યારે ચુંટણી સમયે અને કચ્છના ભુકંપ પછી શિકાગો ટાઉનશીપ લોકાર્પણ સમયે મોદીજી સાથે વિતાવેલી સુખદ ક્ષણોને આજના દિવસે સ્મરણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની શહેર ભાજપ પ્રમુખ કમલેશભાજપ મીરાંનીએ આજે જૂની યાદગીરીની તસવીરો શેર કરી હતી. પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળમાં આજે ત્રીજી વખત વડાપ્રધાન જાહેર સભા સંબોધી હતી.જ્યારે બીજી વાર રોડ શો કર્યા હતો.પીએમએ કમલેશભાઈને વજન ઉતારવાની સલાહ આપી હતી જેનો સહર્ષ સ્વીકાર કરી તેઓએ 14 કિલો વજન ઘટાડયું છે.રાજકોટના તમામ નેતા અને કાર્યકરોને મોદી નામ જોગ ઓળખે છે.