63 પૈકી 62 દરખાસ્તોને બહાલી, એક દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલાઇ: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ.22.33 કરોડ, પેવિંગ બ્લોક માટે રૂ.2.79 કરોડ, ડીઆઇ પાઇપલાઇન માટે રૂ.2.72 કરોડનો ખર્ચ મંજૂર
રાજકોટ મહાનગર પાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 63 પૈકી 62 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે રસ્તા ડેવલપમેન્ટ કામ માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની દરખાસ્ત ટેન્ડર કરવાની સૂચના સાથે કમિશનર તરફ પરત મોકલવામાં આવી હતી. રૂ.55.80 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 62 દરખાસ્તો બહાલી આપવામાં આવી છે. જ્યારે એક દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે. શહેરના તમામ વોર્ડમાં વિકાસ કામો માટે માતબર નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે. રૂ.55.80 કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. શહેરના વોર્ડ નં.12માં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ સંકુલના નિર્માણ માટે રૂ.22.33 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.
જ્યારે વોર્ડ નં.11માં મોટા મૌવા સ્મશાન પાસેનો બ્રિજ પહોળો કરવા અને ભીમનગરથી મોટા મવાને જોડતા રસ્તા પર હયાત નાલાને ઊંચુ લઇ બ્રિજ બનાવવા માટે રૂ.13 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. વોર્ડ નં.7માં ગવલીવાડ અને આજુબાજુના વિસ્તાર, ઠક્કરબાપા નગર અને આસપાસના વિસ્તાર તથા ભીલવાસ અને તેના આસપાસના વિસ્તારોમાં જૂની પાઇપલાઇનના સ્થળે નવી ડીઆઇ પાઇપલાઇન નાંખવા માટે રૂ.1.39 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. અલગ-અલગ વિસ્તારોમાં રોડની સાઇડમાં પેવિંગ બ્લોકના કામો માટે રૂ.2.79 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. જ્યારે કર્મચારીઓને તબીબી આર્થિક સહાય ચૂકવવા માટે રૂ.16.41 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી છે.
- કોર્પોરેશન પ્રથમવાર 6 કરોડના ખર્ચે પાંચ ક્યુબિક મીટરની ક્ષમતાવાળા 50 મિની ટીપર ખરીદશે
આ ટીપર દ્વારા રસ્તા અને શેરી-ગલ્લીઓમાં સફાઇ દરમિયાન એકઠો થતો કચરો એકત્રિત કરાશે શહેરના 18 વોર્ડમાં હાલ 343 મીની ટીપર દ્વારા કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સફાઇ કામદારો દ્વારા રોડ અને શેરી-ગલ્લીઓની સફાઇ દરમિયાન એકત્રિત થતાં કચરાનો વ્હીલબરોમાં નિકાલ કરવામાં આવે છે. તેના સ્થાને હવે આ કચરાનો મીની ટીપરમાં નિકાલ કરવા માટે કોર્પોરેશન દ્વારા પ્રથમવાર રૂ.6 કરોડના ખર્ચે પાંચ ક્યુબીક મીટરની ક્ષમતાના 50 મીની ટીપરની ખરીદી કરવામાં આવશે.
જીતેન્દ્ર ઓટો મોબાઇલ નામની કંપની પાસેથી રૂ.11.99 લાખના ખર્ચે એક લેખે 50 મીની ટીપરની ખરીદી કરવામાં આવશે.