જૈફ વયના લાલબાપા કાનાણી અને રૂપાઈબેન કાનાણીએ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને સ્વ હસ્તે ચેક અર્પણ કર્યો

વિશ્વ કોરોના વાઇરસ રૂપી ખતરનાક બિમારી સામે લડી રહ્યું છે. આ આફતમાં ગુજરાત અને સમગ્ર દેશ પણ સપડાયો હોય સરકાર અને તંત્રની સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ અને ભામાશાઓ પણ આગળ આવ્યા છે અને પોતાનાથી થતી મદદ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. હાલ આ કોરોના રૂપી મહામારી સામે લડવા ગુજરાતમાંથી પણ અનેક દાતાશ્રીઓ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં યથાશક્તિ દાન આપી રહ્યા છે. ત્યારે રાજકોટના આવા જ એક જૈફ વયના દંપતીએ રાષ્ટ્ર પર આવી પડેલી આપત્તિમાં ઉપયોગી થવા પોતાની બચત કરેલી મૂડીમાંથી કુલ ૧ લાખ ૨ હજારનું અનુદાન આપ્યું છે.

મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના અને હાલ રાજકોટ રહેતા લાલભાઈ અરજણભાઈ કાનાણી (ઉં.વ- ૯૪) અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણી (ઉં.વ. ૮૭) ને વિચાર આવ્યો કે, હાલ જ્યારે માનવી પર કોરોના રૂપી આફત આવી પડી છે ત્યારે રાષ્ટ્રકાજે કઈક કરવું. તેથી આ દાદા-દાદીએ નક્કી કર્યું કે પોતાની જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી ૫૧-૫૧ હજાર રૂપિયા કોરોના વાઇરસ અંતર્ગત મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપવા. આમ દાદા-દાદીએ ૫૧-૫૧ હજાર રૂપિયા એમ બન્નેએ મળીને કુલ ૧ લાખ ૨ હજાર રૂપિયા સ્વતંત્ર બચતમાંથી રાષ્ટ્ર સેવામાં અર્પણ કર્યા. લાલભાઈ કાનાણી અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને  કલેક્ટર રેમ્યા મોહનને ૫૧-૫૧ હજાર રૂપિયાના ચેક અર્પણ કર્યા.

આનંદની વાત એ છે કે ગુજરાતના જૈફ વયના પ્રથમ દાતા અને માજી ધારાસભ્યશ્રી કે જેઓના દાનથી પ્રભાવિત થઈને થોડા દિવસ પહેલા જ  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તેવા રત્નાબાપા ઠુમ્મર અને લાલભાઈ કાનાણી બન્ને ખાસ મિત્ર છે. અને આ દાદા-દાદી રાજકોટના એક પ્રતિષ્ઠિત સ્ત્રીરોગ નિષ્ણાત એવા ડો. પ્રવિણભાઈ કાનાણી  (પર્લ હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ)ના માતા-પિતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.