સરકારી મિલકતો-મોબાઈલ ટાવર પાસે વેરા પેટે રૂા.67.57 કરોડ રૂપિયા બાકી રૂા.340 કરોડના તોતિંગ લક્ષ્યાંક સામે ચાર મહિનામાં માત્ર 123 કરોડની જ આવક
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાને ચાલુ નાણાકીય વર્ષમાં રૂા.340 કરોડનો તોતિંગ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે પ્રથમ ચાર માસમાં માત્ર 123 કરોડની વસુલાત થવા પામી છે. અલગ અલગ સરકારી મિલકતો અને મોબાઈલ ટાવર પાસે વેરા પેટે રૂા.67.57 કરોડ રૂપિયા બાકી નિકળે છે. સરકારી તંત્ર દ્વારા માત્ર વેરો ભરવા માટેની મુદત જ આપવામાં આવે છે. વેરો ભરવામાં આવતો નથી. આગામી દિવસોમાં ચાર લાખથી વધુ મિલકત ધારકો પાસેથી બાકી નીકળતો વેરો વસુલવા માટે હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવશે.
આ અંગે ટેક્સ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ અલગ અલગ સરકારી વિભાગો પાસેથી વેરા પેટે રૂા.31.98 કરોડ બાકી નિકળે છે. જેમાં સીટી પોલીસ પાસે રૂા.6.10 કરોડ, રેલવે પાસે રૂા.15 કરોડ, આઈટી વિભાગ પાસે રૂા.33 લાખ, જીએસટી વિભાગ પાસે રૂા.3.42 લાખ, પીડબલ્યુડી પાસે રૂા.8 કરોડ અને બીએસએનએલ પાસે વેરા પેટે રૂા.1.86 કરોડ બાકી નિકળે છે.
સામાન્ય મિલકત ધારક જો વેરો ભરપાઈ ન કરે તો તેની પાસેથી બાકી વેરા પેટે મહાપાલિકા દ્વારા 18 ટકા લેખે ચામડતોડ વ્યાજ વસુલ કરવામાં આવે છે જ્યારે સરકારી વિભાગ પાસેથી વેરો નહીં પરંતુ સર્વિસ ચાર્જ વસુલવામાં આવતું કે વ્યાજ ચૂકવતું નથી. આવામાં તંત્રને બેવડો માર પડે છે. અલગ અલગ મોબાઈલ ટાવરો પાસેથી વેરા પેટે રૂા.35.59 કરોડ રૂપિયા બાકી નિકળે છે.
મોબાઈલ ટાવર પાસેથી 45 રૂપિયા લેખે ચાર્જ વસુલ કરવામાં આવતો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા થોડી છુટછાટ આપવામાં આવતા હવે માત્ર રૂા.15 ચાર્જ વસુલ કરવામાં આવે છે છતાં મોબાઈલ ટાવર દ્વારા વેરો ભરવામાં આવતો નથી. કાર્પેટ એરીયાની અમલવારી પૂર્વે જે મોબાઈલ ટાવર પાસે વેરા પેટે બાકી રકમ નિકળે છે તે માટે તેઓએ અદાલતના દ્વાર ખખડાવ્યા છે જેના કારણે અગાઉનું પણ કરોડોનું લેણુ સલવાયેલુ પડ્યું છે. વેરામાં વળતર યોજના અમલમાં હોવા છતાં નાણાકીય વર્ષમાં પ્રથમ ચાર માસમાં ટેકસ પેટે રૂા.123 કરોડની વસુલાત થવા પામી છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી મિલકત ધારકો એકપણ રૂપિયાના વ્યાજ વીના વેરો ભરપાઈ કરી શકશે.
1લી ઓકટોબરથી બાકી વેરા પર વાર્ષિક 18 ટકા લેખે વ્યાજ વસુલ કરવામાં આવશે. 4 લાખથી વધુ મિલકત ધારકોએ વેરો હજુ સુધી ભરપાઈ કર્યો નથી. તેઓને હવે નોટિસ ફટકારવામાં આવશે. 70 હજારથી વધુ આસામીઓ પાસેથી પાણી વેરો બાકી નિકળે છે. જ્યારે 25 હજાર આસામી પાસેથી વ્યવસાય વેરા પેટે લાખો રૂપિયાની વસુલાત બાકી છે જે માંગણુ છુટુ કરવા હવે હાર્ડ રિકવરીનો દૌર શરૂ કરવામાં આવશે. ચાલુ વર્ષના બજેટમાં ટેકસ રિકવરી સેલ ઉભુ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ અપુરતા સ્ટાફના કારણે હજુ સુધી આ સેલ ઉભો કરવા અંગે કોઈ જ પ્રાથમિક કામગીરી પણ હાથ પર લઈ શકાઈ નથી.