• પર્યાવરણને અનુકૂળ તથા વૈશ્ર્વિક બજારમાં ટકી શકે તેવા ઉત્પાદનો નિર્માણ કરવા ઉદ્યોગકારોમાં ઉત્સાહ

દેશમાં નાના-મોટા ઉત્પાદન કરતા સુક્ષ્મ, લઘુ, મધ્યમ કક્ષાના ઉદ્યોગો (એમ.એસ.એમ.ઈ.) માત્ર સ્થાનિક બજાર જ નહીં, પણ વૈશ્ર્વિક માપદંડોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરે તથા પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન પ્રક્રિયા અપનાવે – એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને ઉદ્યોગકારો હર્ષભેર વધાવી રહ્યા છે. આ જ કારણ છે કે, કેન્દ્રના એમ.એસ.એમ.ઈ. મંત્રાલયની ઝેડ – ‘ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ’ – યોજનાના સર્ટીફિકેશન લેવા માટે ઉદ્યોગકારો ઉત્સુકતા સાથે ઝડપ દાખવી રહ્યા છે. ઝેડ સર્ટિફિકેશન લેવામાં ગુજરાતના એમ.એસ.એમ.ઈ. 37,030 સર્ટીફિકેટ સાથે દેશમાં પ્રથમ છે. ઝેડના નેશનલ રેન્કિંગમાં જિલ્લાઓની શ્રેણીમાં પણ પ્રથમ ત્રણમાં ગુજરાતના જ જિલ્લાઓ છે. રાજકોટ જિલ્લો 8578 સર્ટી સાથે સમગ્ર દેશમાં પ્રથમ છે. જ્યારે અમદાવાદ જિલ્લો 7325 સર્ટી સાથે બીજા તથા સુરત જિલ્લો 6680 ઝેડ સર્ટી સાથે ત્રીજા ક્રમે છે.

દેશના ઉદ્યોગો માત્ર સ્થાનિક નહીં, પણ વૈશ્ર્વિક બજારના ઉત્પાદનો સાથે સ્પર્ધા કરી શકે તેમજ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવે તે માટે સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે વર્ષ 2022માં ઝેડ – ‘ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ’ – સર્ટીફિકેશન યોજના લોન્ચ કરી હતી. જે ઉદ્યોગો આ સર્ટીફિકેશન લે છે, તેમને સરકાર તરફથી અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે.

ઉદ્યોગકારોને આ દિશામાં પ્રેરિત કરવા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ઝેડ સ્કીમના અમલની જવાબદારી સોંપાઈ છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાથે મળીને વિવિધ ઉદ્યોગકારોને આ સર્ટીફિકેશનના ફાયદા સમજાવીને તેના માટે પ્રેરિત કરાઈ રહ્યા છે. આ યોજનામાં બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ જેવી ત્રણ શ્રેણી છે. ઉદ્યોગકારોમાં જેમ-જેમ જાગૃતિ આવતી જાય છે, તેમ ઝેડ સર્ટિફિકેટ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે.

ઝેડ સર્ટિફિકેટ લેવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. દેશના પ્રથમ પાંચ રાજ્યોની સ્થિતિ જોઈએ તો, ચાલુ નાણાકીય વર્ષ 2023-24 તથા ગત નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાંથી કુલ 37,030 ઝેડ સર્ટી લેવાયા છે. જ્યારે બીજા ક્રમે કર્ણાટકામાં 34,114 સર્ટી, ત્રીજા ક્રમે બિહારમાં 15,510 સર્ટી, ચોથા ક્રમે હરિયાણામાં 11,034 સર્ટી, જ્યારે પાંચમા ક્રમે મહારાષ્ટ્રમાં 10,056 ઝેડ સર્ટી લેવામાં આવ્યા છે. આ અંગે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેર પરસન જક્ષય શાહના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર, ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા, ઝેડ ડિવિઝન, એમ.એસ.એમ.ઈ. તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોના અથાગ પરિશ્રમ થકી ગુજરાત રાજ્ય ભારતના તમામ રાજ્યોમાં નંબર-1 સ્થાન મેળવી શક્યું છે.

આ સાથે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્યાંકના પાયા મજબૂત કરવાનું કામ ગુજરાતના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો તથા ગુજરાત સરકાર, ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા-ઝેડ ડિવિઝન દ્વારા કરવામાં આવ્યું છે. તે દર્શાવે છે કે, આપણા રાજ્યના ઉદ્યોગો પણ હવે પ્રોસેસ તથા પ્રોડક્ટમાં ગુણવત્તા માટે કટિબદ્ધ છે અને ગુજરાત અગ્રેસર રહીને ક્વોલીટી મિશન માટે નેતૃત્વ કરી રહ્યું છે.મહત્વનું છે કે, ઝેડના નેશનલ રેન્કિંગમાં પ્રથમ ત્રણ ક્રમમાં ગુજરાતના જ જિલ્લાઓ છે. જેમાં રાજકોટ 8578 સર્ટી સાથે પ્રથમ બાદ અમદાવાદ 7325 સર્ટી સાથે બીજા તથા સુરત જિલ્લો 6680 ઝેડ સર્ટી સાથે ત્રીજા ક્રમે છે.

આ અંગે રાજકોટના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરીના જણાવ્યા પ્રમાણે, ઝેડ સર્ટીફિકેટ લેવામાં રાજકોટ જિલ્લાના એમ.એસ.એમ.ઈ. માત્ર ગુજરાત જ નહીં, પણ દેશમાં સૌથી આગળ છે. રાજકોટમાં માર્ચના પ્રારંભ સુધીમાં 8578 જેટલા ઉદ્યોગકારોએ ઝેડ સ્કીમના સર્ટિફિકેટ મેળવ્યા છે. જે રાજ્યમાં અને દેશમાં સૌથી વધુ છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રિજનલ ઓફિસ તરફથી મળેલો સહયોગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સ્ટાફ, જિલ્લાના ઉદ્યોગકારો અને ઉદ્યોગ સંગઠનો તરફથી મળેલા સહકારના કારણે રાજકોટ જિલ્લો આ સિદ્ધિ હાંસલ કરી શક્યો છે.

આમ વૈશ્ર્વિક કક્ષાના ઔદ્યોગિક ઉત્પાદનના માપદંડોને અપનાવવા અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોના નિર્માણમાં ગુજરાત અને રાજ્યના જિલ્લાઓ દેશમાં અગ્રેસર બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.