ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વારા મ્યુનિ. કમિશ્નરને કરાય રજૂઆત
કોર્પોરેશન દ્વારા સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ,રામવન, પ્રદ્યુમનપાર્કમાં દિવ્યાંગોને ટીકીટમાં રાહત આપવા મ્યુની. કમિશનરનેે ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ દ્વારા રજૂઆત કરાય છે.
તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકા હસ્તક સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસ કાર્યરત છે તેમજ લોકોને હરવા-ફરવાના સ્થળ તરીકે તાજેતરમાં રામવન ખુલ્લું મુકાયું છે પ્રદ્યુમન પાર્ક(ઝૂ) હાલ કાર્યરત છે. સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસમાં જવા આવવા નિયમ અનુસાર શહેરીજનોએ ટીકીટ લેવાની હોય છે અને ત્યાર બાદ બસમાં મુસાફરી કરી શકે છે. તથા રામવન, પ્રદ્યુમન પાર્ક(ઝૂ)માં ટીકીટ બાદ પ્રવેશ કરી શકે છે.
સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસમાં વિદ્યાર્થીઓને ટીકીટમાં ક્ધસેસન આપવામાં આવે છે. જયારે દિવ્યાંગ વ્યક્તિઓને શહેરીજનોની માફક ટીકીટ લેવી પડતી હોય છે. દિવ્યાંગ વ્યક્તિ પણ રાહતદરે જે-તે સ્થળોએ જઈ શકે તે ધ્યાને લઇ તેઓ માટે પ્રોત્સાહનરૂપ રાજકોટ મહાનગરપાલિકા હસ્તક સીટી બસ, બી.આર.ટી.એસ.માં સરકારશ્રીના નિયમો અનુસાર દિવ્યાંગ અંગેનું સર્ટિફિકેટ રજુ કરે તે મુજબ તેઓને ટીકીટમાં રાહત આપવી જરૂરી છે. તેમજ રામવન તથા પ્રદ્યુમન પાર્ક(ઝૂ)માં પ્રવેશ ટીકીટમાં પણ રાહત દરે તેઓને પ્રવેશ આપવામાં આવે તો દિવ્યાંગ વ્યક્તિને ઘણું પ્રોત્સાહન મળશે. દિવ્યાંગોને પ્રોત્સાહનરૂપ ટીકીટ દરમાં દિવ્યાંગ અંગેનું સર્ટિફિકેટ મુજબ રાહત આપવા સંદર્ભ સત્વરે કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે.