કોરોના આફતને અવસર સમજતી લેબોરેટરી સંચાલકોના કરતુતનો ભાંડો ફુટયો: કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા નોંધાવી ફરિયાદ
કોરોના મહામારીને અટકાવવા સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે કોરો મહામારીમાં સરકારની ગાઇડ લાઇનને સાઇડ લાઇન કરી કાળી કમાણી કરવા શહેરની કેટલીક લેબોરેટરી દ્વારા કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યાની માહિતીના આધારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીગ્રામના એક શખ્સ સામે સેમ્પલ લીધા વિના જ કોરોના નેગેટિવનો રિપોર્ટ આપ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારના લાખના બંગલા પાસે પરાગ જોષી નામનો શખ્સ ભટ્ટ લેબોરેટરી માટે બ્લડ સેમ્પલ કલેકશનનું કામ કરી રહ્યો છે. તે દર્દીના બ્લડનું સેમ્પલ લીધા વિના જ કોરોના નેગેટિવનો રિપોર્ટ ભટ્ટ લેબોરેટરીના સહી-સિક્કા સાથે આપતો હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ડો. મનિષકુમાર બાબુલાલ ચુનારાએ આ અંગે તપાસ કરી પરાગ જોષી દ્વારા સેમ્પલ લીધા વિના આપવામાં આવેલા કોરોના નેગેટિવ રિપોર્ટ કબ્જે કરી ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.વી.સોમૈયા સહિતના સ્ટાફે પગાર જોષી સાથે અન્ય કોણ સંડોવ્યું છે અને કેટલા સમયથી આ રીતે ખોટા રિપોર્ટ આપી કાળી કમાણી કરી રહ્યો છે. તે અંગેની તપાસ હાથધરી છે.