આજના યુગમાં શહેરી વિકાસ અને જનસુખાકારીની સુવિધાઓ જ જનતાની ખુશહાલીનું માધ્યમ છે: વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટને જનસુખાકારીના રૂ. ૫૦૪ કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આ જંગી રકમના કામોનું તેમણે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે આ વેળાએ તારસ્વરે જણાવ્યું કે, આધુનિક સુવિધાયુક્ત શહેરો એ જનસુખાકારીની પારાશીશી છે. આજના યુગમાં શહેરી વિકાસ અને જનસુખાકારીની સુવિધાઓ જ જનતાની ખુશહાલીનું માધ્યમ છે. શહેરો એ આપણા સમાજના ચેતના કેન્દ્રો છે.
અહીના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર યોજાયેલી જાહેરસભાને સંબોધન કરતા મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના શહેરોને આધુનિક બનાવવા માટે કરવામાં આવેલા વિકાસ કામોની રૂપરેખા આપતા ઉમેર્યું કે,કોંગ્રેસના રાજમાં દાયકાઓમાં માંડ એકાદો બ્રિજ બનતો હતો.
એ ગાળામાં ટ્રાફિક ડબલ થઇ જતો,એવા સેતુનો ક્યાંય હેતુ સરતો નહોતો. ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં આપણે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે લોકોને સરળતા તરફ દોરી જવાના નક્કર હેતુ સાથે રોડ-રસ્તા, અંડરબ્રિજ, ઓવરબ્રિજના નિર્માણ-સુદ્વઢીકરણ સાથે જનજીવનને વધુ ને વધુ સરળ બનાવ્યું છે.આઠ મહાનગરપાલિકા વિસ્તારોમાં ૫૪ અને નગરપાલિકા વિસ્તારોમાં ૨૧ એમ કુલ ૭૫ ફ્લાયઓવર બનવા છે. ૮ ફ્લાયઓવર તો એકલા રાજકોટમાં બનવાના છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યના શહેરી વિસ્તારમાં એક લાખથી વધારે એવરેજ ટ્રેઇન વ્હીકલ યુનિટ ધરાવતા તમામ ૩૭ રેલ્વે ફાટકો ઉપર ઓવરબ્રિજ અથવા અન્ડરબ્રિજ બનાવવાનું કામ વર્ષ ૨૦૧૯-૨૦માં શરૂ કરી દેવામાં આવશે. ત્રણ વર્ષમાં કુલ રૂ. ૭૫૦ કરોડથી વધુ ખર્ચ થશે. શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ એક મોટી પહેલ રાજ્ય સરકારે લીધી છે. રાજકોટ સહિતની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં વધુ ટ્રાફિક ધરાવતા તમામ રેલ્વે ફાટકો પર ઓવરબ્રિજ અથવા અન્ડરબ્રિજ બની જશે. ગુજરાત આખું ફાટકમુક્ત ગુજરાત બનશે.
એક સમયે ઘરના ઘરના સપના દેખાડી નાગરિકોને છેતરવામાં આવ્યા હતા. રક્ષાબંધનના દિવસે બહેનો સાથે ઘરના ઘરના ખોટા ફોર્મ આપી છેતરપીંડી કરવામાં આવી હતી. પણ, નરેન્દ્રભાઇ મોદીને તમામ નાગરિકોને ૨૦૨૨ સુધી ઘર આપવાની ઝૂંબેશ ઉપાડી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૨,૫૦૦ આવાસ બની ગયા છે. આવનારા બે વર્ષમાં રાજકોટ રૂ. ૧૦૬૪ કરોડના બીજા ૧૫,૦૦૦ આવાસનું નિર્માણ થશે. ગુજરાતની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ તથા સ્થાનિક સત્તામંડળોમાં ૭ લાખ, ૬૪ હજાર પરિવારોને આવાસ આપવાનું આ સંવેદનશીલ સરકારે આયોજન ઘડ્યું છે. અત્યાર સુધીમાં ૩ લાખ, ૮૭ હજાર આવાસ મંજૂર કરી દીધા છે.
રાજ્યના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ કહ્યું રાજ્યની પોલીસને વધુ માનવબળ આપી સક્ષમ બનાવવામાં આવી છે. સરકારે ગયા વર્ષે ૧૮ હજારથી વધુ પોલીસકર્મીઓની પારદર્શી ભરતી કરી છે.આજના ઝડપી વિકાસના યુગમાં ઇન્ટરનેટ -મોબાઇલ વેબસાઇટથી ગુનાખોરીનું પ્રમાણ – સાયબર ક્રાઇમ વધ્યાં છે. રાજ્યમાં અલાયદું સાયબર ક્રાઇમ સેલ ઊભું કરીને આપણે એવા ગુનાઓ નાથીએ છીએ.
પોલીસદળના જવાનોની સામાજિક સલામતી બાબતે વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, નવીન પોલીસ સ્ટેશનો અને પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ માટે આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓ માટે ગયા વર્ષે બનેલા ૧૯૩૫ મકાનો સહિત અત્યાર સુધીમાં રૂ. ૨૦૯૨ કરોડના ખર્ચે ૩૬,૩૩૧ મકાનો બનાવ્યાં છે. પોલીસ જવાનોને મોટી સુવિધા આપનારો એક મહત્વનો નિર્ણય આપણે તાજેતરમાં જ કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ અને પી.એસ.આઇ.ને હવે બે રૂમના સ્થાને ત્રણ રૂમના મોટા આવાસ ફાળવવાના છીએ. સમાજની રક્ષા કરતા અને કાયદો વ્યવસ્થા જાળવતા આપણા પોલીસ ભાઈઓના પરિવારને સુવિધા, શાંતિની ચિંતા સરકારે કરી છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારત કોઇ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ સાંખી નહીં લે. આપણે સૌએ ધીરજપૂર્વક વડાપ્રધાન ઉપર ભરોસો રાખવો જોઇએ. પુલવામા આતંકી હુમલાના શ્રદ્ધાંજલિરૂપ રાજકોટ શહેરના નવનિર્મિત રૈયા ચોકડી ઓવર બ્રિજને શહીદ બ્રિજ એવું નામ આપવાની તેમણે ઘોષણા કરી છે. સાથે, આવાસ યોજનાના પણ નામકરણ કરવામાં આવ્યા હતા. જેમાં એક આવાસીય વસાહતનું ભગિની નિવેદિતા અને બીજીનું નામ લોકમાન્ય તિલક આવાસ યોજના એવું તેમણે નામ આપ્યું હતું.
મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ મહાનગર પાલિકા, શહેરી વિકાસ સત્ત્તા મંડળ, રાજકોટ શહેર પોલીસ તેમજ સિવિલ હોસ્પિટલના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત રિમોટ કંટ્રોલ દ્વારા કર્યું હતું.મુખ્યમંત્રી રૂપાણીએ વિડીયો કોન્ફ્રન્સથી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમને મળેલ નવા ઘરમાં સુવિધાની પુચ્છા કરી હતી તેમજ શુભકામના પાઠવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરવામાં આવી હતી તેમજ અનુસૂચિત વિભાગ દ્વારા લાભાર્થીઓને ચેક મુખ્યમંત્રીના હસ્તે અર્પણ તેમજ ટ્રાફિક બ્રિગેડના નવનિયુક્ત વોર્ડનને એનાયત પત્ર પાઠવવામાં આવ્યા હતાં.