માત્ર પાંચ કલાક બંધ રહેલા મકાનને તસ્કરોએ ડુપ્લીકેટ ચાવીથી તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડનો હાથફેરો કર્યો: જાણભેદુની સંડોવણીની શંકા
રાજકોટમાં તસ્કરોએ ધોળા દિવસે કારખાનેદારના ઘરમાં ત્રાટકી ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરી તિજોરી તોડી ૧૩૫ તોલાના દાગીના ૧ કિલો ચાંદીના દાગીના, રોકડ સહિત રૂ.૨૧ લાખની માલમતા ઉસેડી જઈ તરખાટ મચાવ્યો છે. ચોરીના એક પછી એક બની રહેલા બનાવે પોલીસ સામે મોટો પડકાર ઉભો કર્યો છે.
આજી જીઆઈડીસીમાં કારખાનું ધરાવતા અને ગીતાંજલી પાર્ક-૨ શેરી નં.૫માં આનંદનગર કોલોની પાછળ રહેતા કિશોરભાઈ ગંગદાસભાઈ પરસાણા (પટેલ) ઉ.વ.૫૫એ ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના રહેણાંકમાં શનિવારે બપોરે ૧ થી સાંજે ૬:૩૦ દરમિયાન તસ્કરોએ પ્રવેશ કરી સોનાના ૧૩૪ તોલા ૩ ગ્રામના દાગીના કિ.૨૦,૧૪,૫૦૦, રીયલ ડાયમંડના દાગીના ૧ તોલુ ૫ ગ્રામ કિ.૨૨,૫૦૦, ૧ કિલો ચાંદીના દાગીના કિ.૨૫૦૦૦ મળી કુલ રૂ.૨૦,૬૨,૦૦૦ના ઘરેણા અને ૪૦ હજારની રોકડ મળી કુલ રૂ.૨૧,૦૨,૦૦૦ની માલમતા ચોરી ગયા હતા.
તસ્કરોએ પાછળથી બંધ રહેલા મકાનમાં ચોરી થઈ હતી.ઘરમાં સીસીટીવી નથી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે. રાજકોટમાં એક તરફ કરોડો ‚પિયાના ખર્ચે સીસીટીવી નેટવર્ક ઉભું કરી શહેર વધુ સુરક્ષિત બન્યાનો દાવો કરાય છે ત્યારે શહેરમાં સતત વધી રહેલા ચોરીના બનાવે પોલીસના દાવા અંગે સવાલ ઉઠાવ્યા છે. ભરબપોરે પણ બેખૌફ બનીને તસ્કરો ચોરી કરવા લાગ્યા છે.
આજી વસાહત પાસે આવેલા રામનગર શેરી નં.૪માં સ્ટીલ કાસ્ટીંગ ફાઉન્ડ્રી નામનું પિતરાઈ ગણેશભાઈ પરસાણા સાથે ભાગીદારીમાં કારખાનું ધરાવતા કિશોરભાઈ પરસાણા ગઈકાલે બપોરે એકાદ વાગ્યે ઘરે જમીને કારખાને ગયા હતા. પત્ની શારદાબેન ગોકુલ-મથુરા જાત્રાએ ગયા હતા. જયારે નાની પુત્રી પ્રિયંકા સીએનો અભયાસ કરતી હોવાથી ટયુશન કલાસમાં ગઈ હતી. તે દરમિયાન બપોરના બે થી સાંજના ૧૦ વાગ્યા દરમિયાન બંધ રહેલ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાનું લોક ડુપ્લીકેટ ચાવીથી ખોલી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ માતાજીના મંદિરમાં રાખેલી રામાયણના પુસ્તકમાંથી તિજોરોની ચાવી શોધી રૂ.૨૦.૬૨ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા અને રિયલ ડાયમંડના દાગીના તેમજ રૂ.૪૦ હજાર રોકડા મળી રૂ.૨૧ હજારની મતાની ચોરી કર્યા બાદ બેડ‚મમાં રહેલા લાકડાના કબાટમાં માલ-સામાન વેર વિખેર કર્યો હતો. તસ્કરોને બેડ‚મમાંથી કઈ મળ્યું ન હતું.
ભકિતનગર પોલીસમાં રૂ.૨૧ લાખની ચોરીની ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ગીતાંજલી પાર્કમાં દોડી ગયા હતા. પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ લઈ તપાસ હાથધરી છે. ગીતાંજલી પાર્કમાં સીસીટીવી કેમેરા ન હોવાનું બહાર આવ્યું છે. ચોરીની ઘટનામાં જાણ ભેદુની સંડોવણી હોવાનું પોલીસ જણાવી રહી છે.