૧૦ પિસ્તોલ, દેશી તમંચો, ૩૦ કારતુસ અને કાર મળી રૂ.૩.૬૧ લાખનો મુદામાલ કબ્જે: નહે‚નગરના ફાયરિંગમાં પિસ્તોલનો ઉપયોગ થયોથતો
શહેરમાં નજીવી બાબતે ફાયરિંગની બનતી ઘટનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અનઅધિકૃત રીતે હથિયારનું વેચાણના નેટવર્કને ભેદવા આપેલી સુચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે માલીયાસણ પાસેથી મધ્ય પ્રદેશના શસ્ત્રના સોદાગરને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી દસ પિસ્તોલ અને એક દેશી તમંચો તેમજ ૩૦ જેટલા કારતુસ કબ્જે કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્ય પ્રદેશના જાંબુવા શહેરની જેલ પાછળ રહેતા શિવમ ઉર્ફે શિવો ઇન્દરસીંગ અનસીંગ ડામોર નામનો શખ્સ મધ્ય પ્રદેશથી હથિયાર લઇને રાજકોટ આવતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ અને યુવરાજસિંહ સહિતના સ્ટાફે માલીયાસણ ખાતે વોચ ગોઠવી જી.જે.૧૭એન. ૩૪૪૦ નંબરની ઇન્ડિકાને અટકાવી તલાસી લીધી હતી. પોલીસને કારમાંથી રૂ.૧.૫૦ લાખની કિંમતની દસ પિસ્તોલ, રૂ.૫ હજારની કિંમતનો દેશી બનાવટનો તમંચો, રૂ.૬ હજારની કિંમતના ૩૦ કારતુસ, બે દેશી તમંચાના કારતુસ મળી આવતા પોલીસે રૂ.૨ લાખની કિંમતની કાર કબ્જે કરી છે.
મધ્યપ્રદેશમાં મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા શિવમ ઉર્ફે શિવો કાર ડ્રાઇવીંગ કરતો હોવાથી મધ્યપ્રદેશમાંથી સસ્તા ભાવે ઘાતક શસ્ત્ર રાજકોટ લાવી વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તાજેતરમાં જ નહે‚નગરમાં રહેતા અલાઉદીનના મકાન પર વસીમ દલવાણી અને મેમલાએ ફાયરિંગ કર્યુ હતુ તે પિસ્તોલ પણ શિવમ ઉર્ફે શિવા પાસેથી ખરીદ કર્યુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. શિવમ ઉર્ફે શિવાએ રાજકોટમાં અન્ય કેટલા હથિયારનું વેચાણ કર્યુ છે અને તેની સાથે કોણ સંડોવાયું છે તે અંગેની વિશેષ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.