તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટીના 930 કેસ નોંધાયા: મચ્છરોની ઉત્પતિ સબબ 285 આસામીઓને નોટિસ

શહેરમાં વૈશ્ર્વિક મહામારી કોરોનાની સાથે-સાથે સિઝનલ રોગચાળાએ પણ ઉપાડો લીધો છે. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સામાન્ય તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 930 જેટલા કેસ નોંધાયા છે. મચ્છરોની ઉત્પતિ સબબ 285 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. જો કે, સતત બીજા સપ્તાહે ડેંન્ગ્યૂ, મેલેરિયા કે ચીકનગુનિયાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં ગત્ 24 થી 30 જાન્યુઆરી સુધીના એક સપ્તાહમાં શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 532 કેસ, સામાન્ય તાવના 359 કેસ, ઝાડા-ઉલ્ટીના 38 કેસ અને ટાઇફોઇડ તાવનો એક કેસ નોંધાયો છે. સતત બીજા સપ્તાહે શહેરમાં ડેંન્ગ્યૂ, મેલેરિયા કે ચીકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી. સીઝનલ રોગચાળાને નાથવા માટે ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એક સપ્તાહમાં 6093 ઘરોમાં પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 1096 ઘરોમાં ફોંગીગ કરવામાં આવ્યું છે.

મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય તેવા પુષ્કરધામ મેઇન રોડ, એ.જી. ચોક, ગીતાનગર, પોલીસ ભરતી ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં વ્હિકલ માઉન્ટેન ફોગીંગ મશિન દ્વારા ફોગીંગ કરવામાં આવ્યું હતું. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત 148 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારોમાં મચ્છરની ઉત્પતિ જણાતા 285 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.