રાજકોટ શહેરના મોટા મવા ગામતળથી શરૂ કરી કોર્પોરેશનની હદ સુધીનો હયાત 30 મીટરનો રોડ 45 મીટર સુધી પહોળો કરવા માટે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં કપાતમાં જતી 96 મિલકતો પૈકી 43 મિલકતધારકોએ જમીનના બદલામાં જમીન વળતર પેટે માંગી હતી. કુલ 64 જમીનધારકોને વૈકલ્પિક વળતર આપવાની છેલ્લા ત્રણ માસથી પેન્ડિંગ રાખવામાં આવતી દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવી છે. શહેરીજનોની સુખાકારીને સિધી અસર કરતા એવા પ્રોજેક્ટમાં કોર્પોરેશનના ભાજપના શાસકોએ થોડુંક મોટુ મન રાખી નિર્ણય લીધો છે. જમીન કપાતના વળતરમાં મિલકતધારકોને ટ્રાન્સફર ફી અને કોર્પોરેશનના એનઓસીમાંથી મુક્તિ આપવામાં આવી છે. દિવાળીના તહેવાર બાદ તુરંત કાલાવડ રોડને 150 ફૂટનો કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
મોટા મવા સ્મશાનથી કોર્પોરેશનની હદ સુધીના કાલાવડ રોડની હયાત પહોળાઇ 30 મીટરથી વધારી 45 મીટર સુધી કરવાનું કામ દિવાળી બાદ તુરંત શરૂ કરાશે: સ્ટે.ચેરમેન જયમીન ઠાકર
કપાતમાં જતી જમીનના બદલામાં જે મિલકતધારકોને જમીન આપવામાં આવી છે તેઓને જમીન વેંચાણની 10 ટકા ટ્રાન્સફર ફી અને કોર્પોરેશનનું એનઓસી લેવામાંથી અપાઇ મુક્તિ
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે મોટા મવા ગામતળ એટલે કે સ્મશાનથી શરૂ કરી કોર્પોરેશનની હદ સુધીના કાલાવડ રોડની હયાત પહોળાઇ 30 મીટરની છે. શહેરની ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. સાથોસાથ આ રોડ રાજકોટનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. બંને તરફ 7.5-7.5 મીટર રોડ પહોળો કરવા મિલકત કપાત અંગે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં કુલ 96 મિલકતધારકોની મિલકતો કપાતમાં આવતી હતી. જે પૈકી 43 મિલકતધારકોએ કપાતમાં જતી જમીન સામે જમીનની માંગણી કરી હતી. 17 મિલકતધારકો કપાતમાં જતી જમીન સામે વધારાની એફએસઆઇ માંગી હતી. જ્યારે રૂડાએ ચાર પ્લોટ સામે જંત્રી મુજબ રોકડ વળતરની માંગણી કરી હતી. બાકી રહેતા પ્લોટમાં 22 પ્લોટ કોર્પોરેશનની માલિકીના છે. જ્યારે આઠ પ્લોટ કલેક્ટર વિભાગના, એક પ્લોટ પોલીસ વિભાગનો અને અન્ય ચાર પ્લોટ રૂડાના છે.
તેઓએ ઉમેર્યું હતું કે જ્યારે દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે કપાતમાં જતી મિલકતના અસરગ્રસ્તોએ તેઓને સાંભળવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તેઓના પ્રશ્ર્નોનો અભ્યાસ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી. છેલ્લી 6 સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવતી હતી. દરમિયાન આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે. શહેરના વિકાસ માટે રોડ પહોળા કરવા પણ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખી ભાજપના શાસકો દ્વારા મોટું મન રાખીને ઉદાર નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જો લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કપાતમાં લેવાયેલી જમીનના બદલામાં કોર્પોરેશન દ્વારા અપાયેલી જમીન જો માલીક વેંચે તો તેને કોર્પોરેશનમાં બજાર કિંમતના 10 ટકા લેખે ટ્રાન્સફર ફી ભરવી પડે છે. સાથોસાથ કોર્પોરેશનનું એનઓસી પણ લેવું ફરજિયાત છે. આ બંને નિયમમાંથી જમીનધારકોને મુક્તિ આપવામાં આવી છે. તેઓએ એ વાતનો પણ ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો કે આ બે નિયમમાં મુક્તિ આપવાનો નિર્ણય માત્ર આ દરખાસ્ત પૂરતો જ લેવામાં આવ્યો છે. કપાતના અન્ય કોઇ કિસ્સામાં આ નિર્ણય લાગૂ પડશે નહિં. સાથોસાથ ઉમર્યું હતું કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટમાં જે નિયમો બનાવવામાં આવ્યા છે. તેની અમલવારી રાજકોટ મહાનગરપાલિકા કરવા માટે ટીપી શાખાને આદેશ આપવામાં આવ્યો છે.
સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ મોટા મવા સ્મશાનથી કોર્પોરેશનની હદ સુધીનો કાલાવડ રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. હાલ મહિલા કોલેજ ચોકથી મોટા મવા સ્મશાન સુધીનો ગૌરવપથ અર્થાત્ કાલાવડ રોડની પહોળાઇ 150 ફૂટની છે પરંતુ ત્યાંથી આગળ જતા રોડની પહોળાઇ 100 ફૂટની થઇ જાય છે અને બોટલનેક બની જાય છે. હવે મહિલા કોલેજ ચોકથી કોર્પોરેશનની હદ સુધીનો કાલાવડ રોડ 150 ફૂટનો થઇ જશે.
કોર્પોરેટરોના મોબાઇલ સાચવવા 84 લોકર બનાવાયા
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની માહિતી લીક થઇ જતી હોવાના કારણે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ સ્ટેન્ડિંગ પૂર્વે મળતી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં મોબાઇલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્પોરેટરોના મોબાઇલ સાચવવા માટે સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ રૂમની બહાર પ્લાયવુડના 84 લોકર બનાવવામાં આવ્યા છે. અગાઉ કોર્પોરેટરો પોતાના મોબાઇલ સંકલનમાં સ્વિચ ઓફ કરી દેતા હતા. દરમિયાન આજથી તમામ કોર્પોરેટરોએ પોતાના મોબાઇલ લોકરમાં રાખી દીધા હતા. ભાજપ દ્વારા લેવાતા એકપણ નિર્ણય સત્તાવાર જાહેરાત કર્યા વિના મિડીયા સમક્ષ પહોંચી ન જાય તે માટે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
દિવાળી કાર્નિવલ નહિં: ધનતેરસે ભવ્ય આતશબાજી
બજેટમાં કાર્નિવલ માટે કરાયેલી જોગવાઇ કરતા ખર્ચ વધુ થતો હોવાના કારણે નિર્ણય પડતો મુકાયો: વૃક્ષોને રોશનીથી શણગારાશે
કોર્પોરેશન દ્વારા કોરોના કાળ પહેલા દિવાળીના તહેવારમાં ભવ્યાતીભવ્ય કાર્નિવલ યોજવામાં આવતો હતો. જેને શહેરીજનોનો ભવ્ય પ્રતિસાદ સાપડતો હતો. ચાલુ સાલના બજેટમાં દિવાળી કાર્નિવલ માટે એક કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી હતી. જો કે, હાલની સ્થિતિ જોતા દિવાળી કાર્નિવલનો ખર્ચ 1.25 કરોડે પહોંચી જતો હોવાના કારણે કાર્નિવલ નહિં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધનતેરસના દિવસે રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજી યોજવામાં આવશે. તેવી સત્તાવાર જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળીના તહેવારમાં ભવ્ય કાર્નિવલ યોજવાની વિચારણાં શરૂ કરવામાં આવી હતી. બજેટમાં કાર્નિવલ માટે રૂા.1 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જો રેઇટ કોન્ટ્રાક્ટથી કામ કરાવવામાં આવે તો પણ કાર્નિવલનો ખર્ચ 1.25 કરોડે પહોંચી જાય તેમ છે. ટેન્ડર પ્રસિદ્વ કરીને ભાવ મંગાવવામાં આવે તો કાર્નિવલનો ખર્ચ વધે તેવું જણાતા અંતે દિવાળી કાર્નિવલ નહિં યોજવાનો નિર્ણય લીધો છે. રેસકોર્ષમાં કોઇ જ લાઇટીંગ કરવામાં આવશે નહિં પરંતુ વૃક્ષોને લાઇટથી હાઇલાઇટ કરવામાં આવશે. મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ એટલે કે ચિત્રનગરીના સહયોગથી રંગોળી સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં 1 હજારથી વધુ મહિલાઓ સામેલ થશે. ધનતેરસના દિવસે કોર્પોરેશન દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાતી આતશબાજી શહેરીજનોમાં હોટ ફેવરીટ હોય આ વખતે 40 કે 45 મિનિટના બદલે 1 કલાકની આતશબાજી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફટાકડાની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરાયું છે. જે 6 નવેમ્બરે ખૂલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 19મી નવેમ્બરના રોજ રાજકોટ મહાનગરપાલિકાના 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે તેની જાજરમાન ઉજવણી કરવાનું પણ આયોજન કરવામાં આવનાર હોય જેના માટે દિવાળી કાર્નિવલ રદ્ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.