કલેકટરના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ગરીબોને મળવાપાત્ર સહાય હાથોહાથ આપવાના અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાનો ગ્રામ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 15મી ઑક્ટોબરના રોજ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવશે.
ગતદિવસે કલેક્ટર કચેરી ખાતે આ મેળાના આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. તેમણે મેળાના આયોજનની સમીક્ષા કરી ઉપસ્થિત રહેનારા લાભાર્થીઓ સરળતાથી મેળાના સ્થળે પહોંચી શકે તેમજ તેમને કોઈ અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવા વિભાગોને સૂચના આપી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા, જિલ્લા મહિલા બાળ અધિકારી જનકસિંહ ગોહિલ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.