• ગરીબ કલ્યાણ મેળા જરૂરિયાતમંદો સાથે ખભેખભો મિલાવી સધિયારો પૂરો પાડવાનો પ્રયાસ: મંત્રીઅરવિંદભાઈ રૈયાણી
  • રાજકોટમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં 1302 લાભાર્થીઓને રૂ. 338.19 લાખની સહાયનું વિતરણ

રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને આયોજિત ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરવામાં આવ્યો હતો.

આ તકે મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન જરૂરિયાતમંદોના વિકાસ માટે ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમની શરૂઆત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારની પ્રાથમિક જરૂરિયાતો મુજબ વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ત્યારે છેવાડાના માનવીને પારદર્શિતાથી સીધો લાભ આપવા માટે ગરીબ કલ્યાણ મેળામાં પશુપાલન, સુથારીકામ, સિલાઈકામ જેવા લઘુ વ્યવસાય ધરાવતા ધંધાર્થીઓને ગુણવત્તાયુક્ત જરૂરી સાધનો વિનામૂલ્યે આપી તેઓને આર્થિક પગભર બનાવવામાં આવે છે. આમ ગરીબ કલ્યાણ મેળા થકી જરૂરિયાતમંદો સાથે ખભેખભો મિલાવી તેઓની ચિંતા નિવારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

1665737041538

આ ગરીબ કલ્યાણ મેળામાં મુખ્ય સ્ટેજ પરથી વિવિધ વિભાગની યોજનાના 25 લાભાર્થીઓને મહાનુભાવોનાં હસ્તે સહાય વિતરણ કર્યા બાદ તમામ લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે પી.એમ. સ્વનિધી યોજના, જનની સુરક્ષા યોજના, માનવ કલ્યાણ યોજના, અન્નપૂર્ણા યોજના, રાષ્ટ્રીય કુટુંબીક સહાય યોજના, વિધવા સહાય, વૃદ્ધ સહાય યોજના, સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના, માનવ ગરીમા યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, વ્હાલી દીકરી યોજના, ગંગાસ્વરૂપ પુન: લગ્ન આર્થિક સહાય યોજના સહિત અનેકવિધ યોજનાઓ અંતર્ગત આજરોજ ગરીબ કલ્યાણ મેળામાં 1302 લાભાર્થીઓને રૂ. 338.19 લાખની સહાય ચુકવવામાં આવી હતી. ઉપરાંત ચાલુ વર્ષ 2022-23માં ગરીબ કલ્યાણ મેળા સહિત રાજકોટ મહાનગરપાલિકા અને સરકારની વિવિધ યોજનાના કુલ 22,566 લાભાર્થીઓને રૂ. 74047.91 લાખની સહાય ચુકવવામાં આવી છે.

પ્રધાનમંત્રી સ્વનિધી યોજનાના લાભાર્થી પરેશભાઈ રાઠોડ, આવાસ યોજનાના લાભાર્થી દક્ષાબેન ગોહિલ, આયુષ્યમાન કાર્ડના લાભાર્થી રાજેશભાઈ ગોહિલે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.   આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  પુષ્કર પટેલ, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ યોજનાઓના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, અગ્રણી કમલેશભાઈ મીરાણી, કોર્પોરેટરો તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.