રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે ઠેર ઠેર કાનુડાના વધામણા કરવાની તૈયારીઓ ચાલી રહી છે તે દરમિયાન બીજી તરફ શહેરના છેવાડે સરધાર પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકસાથે પાચ લોકોના મોત નીપજ્યા છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઈ કાલે રાત્રીના સરધારથી ભૂપગઢ જવાના રસ્તે બે બાઈક સામસામે અથડાતાં અર્જુન કલવા મેડા (ઉ.વ.૧૮), રાજેશ પોપટ રાઠોડ (ઉ.વ.૨૨), દિનેશ રાઠોડ (ઉ.વ.૩૬), દેવગલ મકવાણા (ઉ.વ.૨૨) અને દિલીપ ભુરીયા (ઉ.વ.૨૫) નામના એકસાથે પાચ પાચ યુવાનોના મોત નીપજતાં ચકચાર મચી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ બે બાઈક સામસામે અથડાતાં ઘટના સ્થળ પર જ ત્રણ યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બે યુવાનોએ સારવારમાં દમ તોડયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.