પરિવાર ધ્રાફા પાસેના વાલાસણ ગામે દરગાહે માનતા પુરી કરીને પરત આવ્યા તે દરમિયાન તસ્કરોએ કર્યો હાથફેરો
વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં તસ્કરોએ કોઠારિયા સોલવન્ટ પાસેની સિતારામ સોસાયટીમાં બંધ મકાનમાંઓથી રૂા.1.34 લાખની મત્તા અને કોઠારિયા સોલવન્ટ પાસેના ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં વૃધ્ધાની રૂા.13 હજાર મરણ મુડીનો તસ્કરોએ હાથફેરો કર્યાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના વતની અને કોઠારિયા સોલવન્ટ પાસે આવેલી સિતારામ સોસાયટીમાં રહેતા સદામ હુસેન વલીમામદ શેખના તા.8 થી 10 દરમિયાન બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાના તાળા તોડી પતરાના કબાટ અને પ્લાયવુડના કબાટનો માલ સામાન વેર વિખેર કરી રૂા.70 હજાર રોકડા અને 64,800 રોકડા મળી રૂા.1,34,800ની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષથી સ્થાયી થઇ માલીયાસણ ખાતે આવેલી એચ.એ.રોડવેઝમાં ડ્રાઇવીંગ કરતા સદામહુસેન શેખ પોતાના પરિવાર સાથે ગત તા.8મીએ ધ્રાફા નજીક આવેલા વાલાસણ ગામની મુરાદશાપીરની દરગાહે માનતા પુરી કરવા ગયા હતા અને ત્યાંથી પોતાના વતન ઝાંઝમેર ખાતે ગયા હતા તે દરમિયાન પાડોશી પિન્ટુબેન ભરવાડનો ફોન આવ્યો હતો અને મકાનના દરવાજા ખુલ્લા હોવાની જાણ કરતા પરિવાર સાથે ગઇકાલે બપોરે રાજકોટ આવી ગયા હતા. ઘરે આવીને તપાસ કરતા તસ્કરોએ બંને કબાટમાં માલ સામાન વેર વિખેર કરી રૂા.70 હજાર રોકડા અને રૂા.64,800ની કિંમતના સોના-ચાંદીના ઘરેણા મળી રૂા.1.34 લાખની મત્તાની ચોરી થયાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આજી ડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. એ.જે.પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
વૃધ્ધાની મરણ મુડી ઉઠાવી જતા તસ્કરો
કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી અને કેટરર્સનું કામ કરતી જયાબેન લાભુભાઇ રાવરાણી નામના 60 વર્ષના વૃધ્ધા ગઇકાલે રસોડાના કામે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ દરવાજાના તોળા તોડી રૂા.13 હજારની મત્તા તસ્કરો ઉઠાવી ગયાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.