રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પરના આદિત્ય હાઇટ્સમાં રહેતા કારખાનેદારની પુત્રીને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની ખાતરી આપી આરોપી પિતા-પુત્રએ લાખો રૂપિયા પડાવ્યા હતા, એડમિશન નહીં કરાવી પૈસા પચાવી જનાર  આરોપીઓએ અન્ય ત્રણ ઉદ્યાયોગકાર પાસેથી પણ એડમિશનના નામે મોટી રકમની છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના આધારે એસઓજીએ તપાસ કરી ફરિયાદ નોંધી પિતા-પુત્રને ઝડપી લીધા છે.

પ્રાપ્ત વિગતો મુજબ સાધુ વાસવાણી રોડ પરના ગોપાલ ચોકમાં આદિત્ય હાઇટ્સમાં રહેતા અને શાપરમાં યમુના ફોર્જ નામનું કારખાનું ધરાવતા શૈલેષભાઇ મગનલાલ મણવરે (ઉ.વ.50)નોંધાવેલી પોલીસ ફરિયાદમાં વર્ષ 2018માં તેમની પુત્રી પાનસીએ ધોરણ 12 પાસ કર્યું હતું, પુત્રીને મેડિકલમાં પ્રવેશ મળી રહે તે માટે પ્રયાસ કરતા હતા ત્યારે તેમના સંબંધી મારફત જય ગોપાલ ગોવાણી અને તેના પિતા ગોપાલ ગોકળદાસ ગોવાણીનો સંપર્ક થયો હતો અને  પિતા-પુત્રએ મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન થઇ જશે તેવી ખાતરી આપી હતી.

તે સમયે શૈલેષભાઇ પાસેથી રૂ.10 લાખ આપવાની અને એડમિશન બાદ અન્ય રકમ આપવાની વાત કરતા શૈલેષભાઇએ રૂ.10 લાખ ચૂકવી દીધા હતા, પંદર દિવસ બાદ જય ગોવાણી કારખાનેદારની ઘરે ગયો હતો અને આ વખતે એડમિશનમાં મોડા થયા છે તેમ કહી 3 લાખ પરત આપી ગયો હતો. બાદ જય ગોવાણી વર્ષ 2019માં કારખાનેદારના ઘરે પહોંચ્યો હતો અને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન નક્કી થઇ ગયું છે તેમ કહી રૂ.9 લાખ લઇ ગયો હતો.

ત્યારબાદ કોલેજ ફી અને હોસ્ટેલ ફીના નામે નાણાં ઉઠાવી ગયો હતો, આરોપી જય ગોવાણી કટકે કટકે રૂ.20.50 લાખ લઇ ગયા બાદ લાંબો સમય વીતી જવા છતાં પાનસીને એલોટમેન્ટ લેટર નહીં મળતાં કારખાનેદાર શૈલેષભાઇએ જયનો ટેલિફોનિક સંપર્ક કરતા પોતે બહારગામ હોવાનું કહ્યું હતું, બાદમાં જય અને તેના પિતાએ મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધા હતા. જય અને તેના પિતા ગોપાલે છેતરપિંડી કર્યાની શંકા ઉઠતાં શૈલેષભાઇએ સુરેન્દ્રનગરની કોલેજમાં તપાસ કરતાં પાનસીનું એડમિશન નહીં થયાનું સ્પષ્ટ થયું હતું. પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં અંતે બંને સામે ફરિયાદ નોંધાવી હતી.

આરોપી પિતા-પુત્રએ અન્ય ત્રણ વ્યક્તિ પરેશભાઇ પટેલના પુત્ર, રાજેશભાઇ ગજેરાની પુત્રી અને અશોકભાઇ ભૂવાના પુત્રને એડમિશન આપવાના બહાને મોટી રકમ લઇ લીધાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. બાદ બંને આરોપી પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પૂછતાછ હાથ ધરી છે.

આરોપી પિતા ગોપાલ અને પુત્ર જય સામે અમદાવાદમાં પણ બે ગુના નોંધાયાનું ખુલ્યું છે બંને પિતા પુત્રએ મેડિકલ કોલેજમાં એડમિશન આપવાના બહાને ઘણા લોકોને શિકાર બનાવ્યા છે.જેમાં અમદાવાદના સોલા અને નિકોલ પોલીસ મથકમાં ઠગાઈના ગુના નોંધાયા હતા અને બાદ આરોપી પકડાયા બાદ જમીન પર છુટયાનું જાણવા મળ્યું છે.ત્યારે બંને શખ્સો મવડી વિસ્તારમાં રહેતા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.