ધોરાજીના નર્સીગના કર્મચારીએ બીએચએમએસ ડોકટરનો સંપર્ક કરી સોનોગ્રાફી મશીન નેપાળથી ખરીદ કરી શરૂ કર્યો ગોરખ ધંધો
પાંચ પુત્રીને જન્મ આપ્યા બાદ પુત્ર પ્રાપ્તી માટે ગર્ભ પરિક્ષણ કરાવ્યાની પરિણીતાની કબુલાત
મેટોડાની સંજીવની હોસ્પિટલની નર્સ ગ્રાહક શોધી આપતી: દોઢ માસથી ગર્ભ પરિક્ષણ કરતા હોવાનો ઘટ્ટસ્ફોટ
યુનિર્વસિટી રોડ પર આવેલા શિવ શક્તિ કોલોનીમાં મકાન ભાડે રાખી ધોરાજીના શખ્સ અને રાજકોટના બીએચએમએસ ડોકટરે ગેર કાયદે ગર્ભ પરિક્ષણનો ગોરખ ધંધો શરૂ કર્યાની બાતમીના આધારે યુનિર્વસિટી પોલીસે દરોડો પાડી થાનથી ગર્ભ પરિક્ષણ કરાવવા આવેલી મહિલા સહિત ચારની ધરપકડ કરી સોનોગ્રાફી મશીન સહિત રૂા.2.90 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શિવ શક્તિ કોલોની બ્લોક નંબર 204 ગેર કાયદે ગર્ભપરિક્ષણ થતું હોવાની બાતમીના આધારે યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડા, પી.એસ.આઇ. એ.બી.વોરા, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયંતીગીરી ગૌસ્વામી અને જલ્પાબેન જોરા સહિતના સ્ટાફે કોર્પોરેશન આરોગ્ય વિભાગના ડો.પંકજભાઇ પ્રવિણભાઇ રાઠોડને સાથે રાખી દરોડો પાડયો હતો.શિવ શક્તિ કોલોનીમાં થાનની મહિલા નયનાબેન ચેતનભાઇ નામની કુંભાર પરિણીતાનું ગર્ભ પરિક્ષણ કરતા ભાવનગર રોડ પરના આજીનગરના મુકેશ ધોઘાભાઇ ટોળીયા અને ધોરાજીના અવેશ રફીક પીંજારાને ઝડપી લીધા છે.
મુકેશ ટોળીયા અને અવેશ પીંજારાની પૂછપરછ દરમિયાન મેટોડા ખાતે આવેલી સંજીવની હોસ્પિટલની નર્સ જીજ્ઞા ઝાલા ગ્રર્ભ પરિક્ષણ માટે ગ્રાહક શોધી આપતી હોવાથી દોઢેક માસથી ગર્ભ પરિક્ષણનો ગોરખ ધંધો શરૂ કર્યો હોવાની કબુલાત આપતા પોલીસે જીજ્ઞા ઝાલાને પણ ઝડપી લીધી છે. ગર્ભ પરિક્ષણ માટે આવતા ગ્રાહકો પાસેથી રૂા.10 હજારથી લઇ 15 હજાર સુધીનો ચાર્જ વસુલ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.મુકેશ ટોળીયાએ એક વર્ષ પહેલાં બીએચએમએસનો અભ્યાસ પુરો કરી જુદી જુદી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેની પાસે ગાયનેકની ડીગ્રી ન હોવા છતાં ગેર કાયદે ગર્ભ પરિક્ષણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જ્યારે અગાઉ ગર્ભ પરિક્ષણના ગુનામાં ઝડપાયેલા અવેશ પીંજારા ધોરાજીની નર્સીંગ સ્ટાફ તરીકે કામ કરે છે. મુકેશ ટોળીયાએ નેપાળથી સોનોગ્રાફી મશીન નેપાળથી ખરીદ કરી અવેશ પીંજારાની મદદ ગેર કાયદે ગર્ભ પરિક્ષણ કરતા હોવાનું બહાર આવ્યું છે.થાનની નયનાબેન નામની મહિલાને પાંચ પુત્રી હોવાથી પુત્ર પ્રાપ્તી માટે ગર્ભપરિક્ષણ કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
બીએચએમએસ તબીબ મુકેશ ટોળીયા, ધોરાજીના કમ્પાઉડર અવેશ પીંજારા, થાનની નયનાબેન કુંભાર અને સંજીવની હોસ્પિટલની નર્સ જીજ્ઞા ઝાલાની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી સોનોગ્રાફિ મશીન, મોબાઇલ અને સ્ટેસ્થોકોપ મળી રૂા.2.90 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.રાજકોટનો તબીબ અને ધોરાજીનો શખ્સ કેટલા સમયથી ગેર કાયદે ગર્ભપરિક્ષણ કરતા તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે