50 જેટલા સી.સી.ટી.વી. ફૂટેજે ચોરીની ઘટનાનો ભેદ ઉકેલ્યો; પોલીસને શંકા ન જાય તે માટે ધુળધોયા ગેંગે ચોરીને અંજામ આપ્યા બાદ પોતાની પ્રવૃતિ ચાલુ રાખી: સોનાના દાગીના ઓગાળી વેંચવા જતાં પોલીસના સકંજામાં સપડાયા: 35.20 લાખનો મુદ્દામાલ કબ્જે: એક આરોપી દાગીના સાથે ભુગર્ભમાં ઉતરી ગયો: ક્રાઈમ બ્રાંચને મળેલી સફળતા પોલીસ કમિશ્નરે પ્રોત્સાહિત ઈનામ જાહેર કર્યું
રાજકોટની સોનીબજાર સવજીભાઈની શેરીમાં આવેલ મલીક ઓરનાર્મેટ નામની પેઢીને ત્રણ દિવસ પહેલા નિશાન બનાવી બંગાળી કારીગરની પેઢીમાંથી રૂા.51.56 લાખની કિંમતના 1172 ગ્રામ સોનાના દાગીનાની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી ચાર ધુળધોયાની ધરપકડ કરી રૂા.35.20 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બાકીનો મુદ્દામાલ કબજે કરવા આરોપીઓને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ સોનીબજાર સવજીભાઈની શેરીમાં આવેલ બંગાળી વેપારીની માલીકીની મલીક ઓરનાર્મેટના મંગળ-બુધવારની રાત્રી દરમિયાન તાળા નકુચા અને દરવાજા તોડી પેઢીમાંથી 51.56 લાખની કિંમતના 1172 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી ગયાની હાથીખાનામાં રહેતા પેઢીના માલીક શરીફુલ અલી મલીકે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તંત્ર માટે પડકારરૂપ આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા એ-ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે સોનીબજારના 50 જેટલા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. પરંતુ મંગળ-બુધની રાત્રે ભારે વરસાદ હોય આરોપીઓના ચહેરા સ્પષ્ટ દેખાતા નહોતા.
દરમિયાન ક્રાઈમ બ્રાંચે એવી હકીકત મળી હતી કે આરોપીઓ ચોરીનો મુદ્દામાલ વેચવાની પેરવી કરી રહ્યાં છે. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમ મુંબઈ અમદાવાદ અને સુરત મોકલી દેવામાં આવી હતી પરંતુ આજે સવારે આરોપીઓ કુવાડવા રોડ સાત હનુમાન પાસે ચોરીનો મુદ્દામાલ ગાળીને વેંચવા નીકળ્યા હોવાની બાતમી પરથી રણુજા મંદિર પાસે મફતીયાપરામાં રહેતા કમલેશ ઉર્ફે કૈલાશ દિલુભાઈ મોરી (ઉ.20) ચુનારાવાડ શેરી નં.1માં રહેતા રવિ ઉર્ફે અબ્દુલ રાજુભાઈ સોલંકી (ઉ.21), રણુજા મંદિર પાસે મફતિયાપરામાં રહેતા વિજય ઉર્ફે ઘુઘો મધુભાઈ બારૈયા (ઉ.20) અને અમદાવાદ રહેતા અનિલ રતનસીંગ પરમાર (ઉ.31)ની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી ધુળધોયા ગેંગ પાસેથી રૂા.35.20 લાખની કિંમતના સોનાના ટુકડા, બુટી અને ભુકી મળી કુલ 800 ગ્રામનું સોનુ કબજે કર્યું છે. જ્યારે એક આરોપી પોતાના ભાગનું સોનુ લઈ ભુગર્ભમાં ઉતરી ગયો હોય તેની પોલીસે સધન શોધખોળ હાથ ધરી છે. આરોપીઓની સધન પુછપરછમાં ચોરી કર્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે પોતાની ધુળધોયાની કામગીરી ચાલુ રાખી હતી. અને જાણે કશુ જ બન્યું ન હોય તેવો ડોળ કરી રહ્યાં હતા.
આ કામગીરી ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વી.કે.ગઢવી, પી.એસ.આઈ. એમ.એમ.ઝાલા, પી.એમ.ધાખડા, પી.બી.જેબલીયા, ધીરેનભાઈ, અમીતભાઈ, ક્રિપાલસિંહ, સુભાષભાઈ, મહેશભાઈ, હિરેન સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશ ચાવડા, જગદીશ વાંક, દિપક ડાંગર સહિતના સ્ટાફે કરી હતી.
ચોરી કર્યા બાદ સી.સી.ટી.વી., ડી.વી.આર. આજી નદીમાં ફેંકી દીધા
રાજકોટની સોનીબજાર સવજીભાઈની શેરીમાં ત્રણ દિવસ પહેલા મધરાત્રે ભારે વરસાદ વચ્ચે સોની વેપારીની પેઢીને નિશાન બનાવી 51.56 લાખના સોનાના દાગીના ચોરી કરનાર પાંચ શખ્સોની તસ્કર ગેંગે બંગાળી વેપારીની પેઢીમાંથી ચોરેલા સી.સી.ટી.વી. કેમેરા અને ડી.વી.આર. રામનાથ મહાદેવના મંદિર પાસે આજી નદીમાં ફેંકી દીધાની કબુલાત આપી હતી. જે કબજે કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
20 દિ’ પહેલા જેલમાંથી છુટેલા શખ્સે પ્લાન બનાવી રેકી કરી
સોનીબજાર સવજીભાઈની શેરીમાં બંગાળી વેપારીની પેઢીમાં થયેલી 51.56 લાખની ચોરીનો મુખ્ય સુત્રધાર ધુળધોયા કમલેશ ઉર્ફે કૈલાશ કેશોદ પોલીસ મથકના ચોરીના ગુનામાં 20 દિ’ પહેલા જ જેલમાંથી છુટ્યા બાદ કડકાઈ દૂર કરવા સાગ્રીતોને એકઠા કરી ચોરીનો પ્લાન ઘડી કાઢી બંગાળી વેપારીની દુકાને સોનાનો ભુક્ો વેંચવા જવાના બહાને પેઢીની રેકી કરી ક્યાં ક્યાં સી.સી.ટી.વી. કેમેરા છે અને ક્યાંથી પેઢીની અંદર ઘુસી શકાય તેમ છે તેની માહિતી મેળવી મંગળ-બુધની રાત્રે ભારે વરસાદ વચ્ચે ચોરીને અંજામ આપ્યો હતો.
રામનાથ મહાદેવ મંદિર પાસે ચોરીના ભાગ પાડ્યા
સોનીબજાર સવજીભાઈની શેરીમાં બંગાળી વેપારીની પેઢીમાંથી મંગળ-બુધની મધરાત્રે ભારે વરસાદ વચ્ચે ચોરીને અંજામ આપ્યા બાદ ધુળધોયા ગેંગના પાંચ શખ્સો પગપાળા રામનાથ મંદિર નજીક પહોંચ્યા હતા અને સી.સી.ટી.વી. કેમેરા, ડી.વી.આર નદીમાં ફેંકી દઈ મંદિરના ચોરા પાસે ચોરીના મુદ્દામાલના પાંચ સરખા ભાગ પાડી પાંચેય શખ્સોએ વેંચી લીધા હતા.