અશોક ડાંગર સહિત કોંગ્રેસના 31 ઉમેદવારોએ ભર્યા ફોર્મ
ઢેબર ચોકમાં વિજય સંકલ્પ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટયાં
ભાજપની નીતિરિતી સામે આકરાં પ્રહારો
વોર્ડ નં.1માં પ્રદિપ ત્રિવેદી, પ્રભાત ચાવડા, રેખાબેન ગેડીયા અને પારૂલ નકુમ, વોર્ડ નં.2 માટે અતુલ રાજાણી, યુનુસ જુણેજા અને નિમીષાબેન રાવલ, વોર્ડ નં.11માં પરેશ હરસોડા, પારૂલબેન ડેર અને સુરેશભાઈ બથવારના નામ ફાઈનલ થયાની ચર્ચા પણ સત્તાવાર ઘોષણા નહીં
રાજકોટ મહાનગર પાલિકાની 18 વોર્ડની 72 બેઠકો માટે આગામી 21મી ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાવાની છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ભાજપના તમામ ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે તો કોંગ્રેસની યાદી હજી ઘોંચમાં પડી છે. આજે કોંગ્રેસના કુલ 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું. હજુ 31 નામોની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
કોંગ્રેસે પ્રથમ યાદીમાં શહેરનાં 18 વોર્ડ પૈકી 14 વોર્ડ માટે 22 ઉમેદવારોના નામની સતાવાર ઘોષણા કરી દીધી હતી. દરમિયાન આજે સવારે વધુ 9 ઉમેદવારોને ફોર્મ ભરવાની ટેલિફોનિક સુચના આપી દેવાઈ હતી. જેમાં વોર્ડ નં.3માં ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ આસવાણી, કોમલબેન પુરબીયા જયારે વોર્ડ નં.15માં ભાનુબેન સોરાણી, કોમલબેન ભારાઈ અને વશરામભાઈ સાગઠીયા જયારે વોર્ડ નં.17માં અશોકભાઈ ડાંગર અને વસંતબેન પીપળીયાના નામનો સમાવેશ થાય છે. આજે બપોર સુધીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર સહિત કોંગ્રેસના કુલ 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
આ ઉપરાંત શહેર કોંગ્રેસમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વોર્ડ નં.2 માટે પક્ષે અતુલભાઈ રાજાણી, યુનુસ જુણેજા અને નૈમિષાબેન રાવલનું નામ ફાઈનલ કર્યું છે. જયારે વોર્ડ નં.1માં પ્રદિપભાઈ ત્રિવેદી, પ્રભાતભાઈ ચાવડા, રેખાબેન ગેડિયા અને પારૂલબેન નકુમને ટીકીટ આપવામાં આવી છે. જયારે વોર્ડ નં.11માં પરેશ હરસોડા અને પારૂલબેન ડેરને રીપીટ કરાયા છે. ઘનશ્યામસિંહ જાડેજાની ટીકીટ કાપવામાં આવી છે જેના સ્થાને સુરેશ બથવારને મેદાનમાં ઉતાર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે આ નામોની સતાવાર જાહેરાત કરવામાં આવી ન હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું.
કોંગ્રેસે પ્રથમ યાદીમાં વોર્ડ નં.1 માટે જલ્પાબેન શૈલેષભાઈ ગોહિલ, વોર્ડ નં.3 માટે દાનાભાઈ હુંબલ, વોર્ડ નં.4 માટે સીમીબેન જાદવ અને નારણભાઈ આહિર, વોર્ડ નં.5 માટે દક્ષાબેન ભેંસાણીયા અને જીતેન્દ્રભાઈ રૈયાણી, વોર્ડ નં.6માં રતનબેન મોરવાડીયા અને ભરતભાઈ મકવાણા, વોર્ડ નં.8માં જીજ્ઞેશભાઈ જોષી, વોર્ડ નં.9માં ચંદ્રિકાબેન ધરસંડીયા અને વિશાલભાઈ દોંગા, વોર્ડ નં.10માં ભાર્ગવીબા ગોહિલ અને મનસુખ કાલરીયા, વોર્ડ નં.12માં ઉર્વશીબા જાડેજા અને વિજય વાંક, વોર્ડ નં.13માં જાગૃતિબેન ડાંગર, વોર્ડ નં.14માં ભારતીબેન સાગઠીયા, વોર્ડ નં.15 માટે મકબુલ દાઉદાણી, વોર્ડ નં.16 માટે રસીલાબેન ગેરીયા અને વલ્લભભાઈ પરસાણા, વોર્ડ નં.17માં જયાબેન ટાંક અને ઘનશ્યામસિંહ જાડેજાના નામની સતાવાર ઘોષણા કરી હતી.
કોંગ્રેસ સંપૂર્ણ બહુમતિ સાથે વિજયી બનશે: અશોક ડાંગર
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ સંપૂર્ણ બહુમતિ સાથે જીત મેળવે તેવો આશાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે વ્યકત કર્યો છે. ભાજપે અત્યાર સુધી હવામાં ગુલબાંગો ફેંકી છે ત્યારે 2021માં અવશ્યક પરિવર્તનનો પવન ફૂંકાશે.
લોકો વચ્ચે રહી કામ કર્યા લોકોને અમારા પર વિશ્ર્વાસ છે: વિજયભાઈ વાંક
‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.12ના કોંગ્રી ઉમેદવાર વિજયભાઈ વાંકે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. અમને પાર્ટી ફરીથી ટિકિટ આપી છે. અમારા વિસ્તારમાં અમારી જ પેનલ રહી ચૂકી છે અને આગામી ચૂંટણીમાં પણ વોર્ડ નં.12માં અમારી કોંગ્રેસની જ પેનલ આવશે. કારણ કે અમારા વિસ્તારમાં લોકોની વચ્ચે જઈ તેમના કામો કર્યા છે તેમની સમસ્યાઓ રજૂઆતો સાંભળી તેનું નિરાકરણ લાવ્યા છીએ. લોકો કોર્પોરેટરને એટલે ચૂંટતા હોય છષ કે તેમના વિસ્તારમાં લોકહિતના કામો થાય ત્યારે તો અમારો વિજય થશે તો અને લોકોની વચ્ચે જઈ અને વિકાસના કામો કરીશું.
પાણી, ટ્રાફિક વગેરેની સમસ્યા દૂર કરીશું: જીગ્નેશભાઈ જોશી
વર્તમાન સમયમાં શહેરમાં જે ટ્રાફિકની ભયાનક સમસ્યા છે તે અમો દૂર કરીશું જે ભાજપના શાસકો કે મોટા-મોટા નેતાઓ પણ કરી શક્યા નથી. શહેરમાં પાણીનો પ્રશ્ર્ન પણ યથાવત છે. શહેરના હાર્દસમા 150 ફૂટ રીંગ રોડ પર પણ પાણી ભરાય છે.
વોર્ડ નં.16માં ફરીથી કોંગ્રેસ જ બાજી મારશે તેવો વિશ્ર્વાસ છે: રસીલાબેન ગરૈયા
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.16ના કોંગી ઉમેદવાર રસીલાબેન ગરૈયાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસપાટીની આભારી છું કે મને ફરીથી વોર્ડ નં.16ના કોર્પોરેટરના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. વિસ્તારના લોકોનો અમારા પર ભરોસો છે. અમે તેમના પાણી, ગટર સહિતના પ્રશ્ર્નોને હલ કર્યા છે અને અમે વિસ્તારવાસીઓ વચ્ચે જઈ કામગીરી કરી હોવાથી લોકો અમને ઓળખે અને અમારી કામગીરી પર પુરો ભરોસો છે અને આગામી ચૂંટણીમાં અમારો વધુ મતોથી વિજય થશે તેવો વિશ્ર્વાસ છે.
ભાજપ જે પાંચ વર્ષમાં નથી ર્ક્યું તે અમે કરીશું: વિશાલ દોંગા
કોંગ્રેસના ઉમેદવાર વિશાલ દોંગા જણાવે છે કે, ભાજપ જે કામ પાંચ વર્ષમાં નથી ર્ક્યું તે અમે આગામી ચૂંટણીમાં જીત મેળવી કરી બતાવીશું. અમને ચોક્કસ જીત મળવાનો વિશ્ર્વાસ છે. શહેરને ડિજીટલ સરકારી શાળા આપવા પ્રયત્ન કરીશું અને સતત લોકોની સાથે રહી લોકોના કામો કરીશું.
વિસ્તારના લોકોનો અમારા પર વિશ્ર્વાસ છે તે મહત્વનું: ઘનશ્યામસિંહ જાડેજા
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.17ના કોંગી ઉમેદવાર ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો જ ભવ્ય વિજય થશે તેવો પુરો વિશ્ર્વાસ છે. લોકો ભાજપથી કંટાળી ગયા છે. મેમો ભરવા, માસ્કના દંડ સહિતના દંડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અમે જો જીતુશું તો લોકોના પ્રશ્ર્નો હલ કરીશું. તેમના પ્રશ્ર્નોને સાંભળીશું અને કોંગ્રેસનો જ ભવ્ય વિજય થશે. અમારા વોર્ડમાં ત્રણ કોંગી કોર્પોરેટર રહી ચૂક્યા છે અને આગામી ચૂંટણીમાં તમામ ચાર કોર્પોરેટર કોંગ્રેસના જ હશે તો વિજય વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
ભાજપે વિકાસના નામે મીંડું કર્યુ: જાગૃતિબેન ડાંગર
વોર્ડ નં.13માંથી કોંગ્રેસના દાવેદારી નોંધાવેલ એવા જાગૃતિબેન ડાંગરએ અબતક સાથેની વાત ચીતમાં જણાવ્યુ હતુ કે ગત વર્ષોમાં વિકાસના કોઇ પણ કાર્યો થતા નથી. ભાજપએ વિકાસના નામે મીંડુ કર્યુ છે. અને જણાવ્યુ હતુ કે જો હુ ચુટાઇને આવુ છુ તો વિકાસ કરીશ પછી તે રોડ રસ્તા, ગટર વગેરે બધી જ સુવિધાઓ લોકો સુધી પહોંચે તેનુ ધ્યાન રાખીશ.
વોર્ડ નં.14માં લોકપ્રશ્ર્નોનો ઉકેલ લાવીશ: ભારતીબેન સાગઠીયા
વોર્ડ નં.-14ના કોંગ્રેસના દાવેદાર ભારતીબેન સાગઠીયા પહેલીવાર તેમના વોર્ડમાંથી દાવેદારી નોંધાવી હતી. જયારે અબતક સાથેની વાત-ચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે જો તેઓ જીતી જશે તો રોડ-રસ્તા સહિતના અનેક પ્રશ્ર્નોના ઉકેલ કઇ આવવાની પૂરી કોરીશ કરશે. સાથે જ મહિલા ઉત્પાનના કાર્યો કરશે.
વોર્ડ નં.10 ભાજપનો ગઢ પરંતુ લોકોના કામ કરવામાં ઉણા ઉતર્યા: ભાર્ગવીબા ગોહિલ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.10નાં ઉમેદવાર ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું હતું કે, ભલે વોર્ડ નં.10એ ભાજપનો ગઢ કહેવાય છે. તેમ છતાં પણ તેઓ વિપક્ષની સામે લડીને આ વર્ષે લોકોની વચ્ચે રહીને લોકોનો વિશ્ર્વાસ જીતશે, સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, આગામી સ્વરાજ્યની ચૂંટણીમાં આ વિસ્તારના લોકો કોંગ્રેસ પર વિશ્ર્વાસ રાખે અને તેઓને બહુમતીથી જીતાડે અને તેઓએ ‘અબતક’ દ્વારા લોકોને કહ્યું છે કે, કોંગ્રેસ હરહંમેશ લોકો માટે કામ કરે છે અને હજુ પણ લોકો ફાયદાકારક સવલતો આપશે સાથે જ તેઓએ વિજય વિશ્ર્વાસ વ્યકત કર્યો છે.