- વોટર પ્રોજેક્ટ સેલ, વોટર ઓપરેશન એન્ડ મેઇન્ટેન્સન્સ સેલ તથા જળ સંચય સેલને વોટર મેનેજમેન્ટ યુનિટમાં મર્જ કરી દેવાયા: 38 અધિકારીઓ-કર્મચારીઓની નિમણુંક
રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ-2024-25ના બજેટમાં વોટર મેનેજમેન્ટ યુનિટ ઉભું કરવાની ઘોષણા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવે તે પૂર્વે જ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા તાત્કાલીક અસરથી વોટર મેનેજમેટ યુનિટની રચના કરી દેવામાં આવી છે.
જેમાં વોટર પ્રોજેક્ટ સેલ, વોટર ઓપરેશન અને મેઇન્ટેન્સન્સ સેલ તથા જળ સંચય સેલને મર્જ કરી દેવામાં આવ્યો છે. સિટી એન્જીનીંયર અલ્પના મિત્રાને આ સેલના હેડ બનાવવામાં આવ્યા છે. વોટર પ્રોજેક્ટ સેલ દ્વારા નવા પ્રોજેક્ટ, હાલ કાર્યરત પ્રોજેક્ટ અંગે પ્લાનિંગ તથા અસરકારક અમલીકરણ કરવાની સતત સુપરવિઝન કરવાની નવી ટેકનોલોજી મદદથી હયાત સમસ્યાઓના નિવારણ માટેની કામગીરી કરવામાં આવતી હતી.
જ્યારે વોટર ઓપરેશન અને મેઇન્ટેન્સન્સ સેલ દ્વારા મેઇન્ટેન્સન્સને લગતી કામગીરી કરાતી હતી.
જળ સંચય સેલ દ્વારા શહેરમાં પાણી માટે નવા જળ સ્ત્રોત શોધવા અને જળ સંચયની કામગીરીમાં શહેરીજનોને ભાગીદારી વધારવા તથા જાગૃતતા લાવવા માટેની કામગીરી કરવામાં આવતી હતી. ઉક્ત ત્રણેયને વોટર મેનેજમેન્ટ યુનિટમાં મર્જ કરી દેવામાં આવ્યા છે.
આ યુનિટના વડા તરીકે અલ્પના મિત્રાને કામગીરી સોંપવામાં આવી છે.
તેઓ પાસે હાલ જે કામગીરી છે. તેના ઉપરાંત વધારાની આ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ચાર્જ સિટી એન્જીનીંયર તરીકેની કામગીરીમાંથી કે.પી.દેથરિયાને મુક્ત કરી આ યુનિટમાં સમાવી લેવામાં આવ્યા છે.
વોટર મેનેજમેન્ટ યુનિટમાં એસ.બી. છૈયા, મુકેશ મકવાણા, એ.આર.લાલચેતા, વી.એચ.ઉમટ, એચ.એમ.ખખ્ખર, ડી.વાય.ત્રિવેદી, જે.એ.ઝાલા, કે.એસ.ખરાડી, એમ.એમ.શિયાળી, એન.સી.લીંબાશિયા, વી.એચ.વ્યાસ, એ.એમ.કણઝારીયા, મૌલિક ભટ્ટ, પી.જી.પ્રજાપતિ, એસ.પી.બામળીયા, એચ.આર.જાડેજા, આકાશ ગોહેલ, રાજેશ ડાભી, એચ.એચ.સોંડાગર, પી.એમ.કાસુદ્રા, કે.એલ.જોશી, અમિત શાહ, લલીત વિરમગામા, આર.એલ.રાઠોડ, એમ.એમ.ચૌહાણ, કે.કે. ચૌહાણ, એસ.એચ.રાણપરીયા, પી.ટી.પટેલ, મૌલિક ટાંક, સી.બી.મોરી, પી.એમ.દવે, સી.આર.વાઘેલા, જે.જે.પરમાર, એચ.પી. પરમાર, વી.પી.બાબરીયા અને વાય.આઇ. પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વોટર મેનેજમેન્ટ યુનિટની કામગીરી પર ઇસ્ટ ઝોન કચેરીના નાયબ મ્યુનિ.કમિશનરની સિધી દેખરેખ હશે.
ચાલુ કામગીરી કે મેઇન્ટેન્સન્સને કોઇપણ પ્રકારની અસર ન થાય તે રીતે સંકલન કરી કામગીરી કરવાની રહેશે.
સિટી એન્જીનીંયરના તાબા હેઠળ સમગ્ર યુનિટ કામગીરી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આવાસ યોજના કૌભાંડમાં નગરસેવિકાઓના પતિ દેવોના નામ ખૂલ્યા હતા. આ ઘટનામાં કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સામેલ હોવાની શંકાના આધારે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા તાત્કાલીક અસરથી અલ્પના મિત્રા પાસેથી આવાસ યોજનાનો ચાર્જ છીનવી લેવામાં આવ્યો હતો.
બીજી તરફ તેઓને નવા રચાયેલા વોટર મેનેજમેન્ટ યુનિટના વડા બનાવી દેવામાં આવ્યા છે. હવે પાણી વિતરણ સહિતની પાણીની લગતી તમામ કામગીરી માટે અલગ-અલગ ત્રણ સેલ કામ કરશે નહીં. 38 અધિકારીઓ અને કર્મચારીઓનો રચાયેલું વોટર મેનેજમેન્ટ યુનિટ શહેરમાં પાણી વિતરણ સહિતની કામગીરી પર દેરખરે રાખશે.