લુપ્ત થતી દુર્લભ જાતીનું અને ભાગ્યે જ જોવા મળતું ‘સરીસૃપ’ની ઈન્ટરનેશનલ માર્કેટમાં ખૂબજ મોટી કિંમત છે
છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રીય રહ્યા બાદ હવે છેલ્લા કેટલાક દિવસોથી ફરી સક્રિય બનેલા રાજકોટ ફોરેસ્ટ વિભાગે રાજકોટ નજીકથી લુપ્ત થતી અને દુર્લભ જાતીનું સરીસૃપ ‘આંધળી ચાકળ’ સાથે એક વ્યકિતની અટકાયત કરી હોવાનુંજાણવા મળેલ છે.
આ અંગે રાજકોટ ફોરેસ્ટ ખાતાના અધિકારી શિયાણીનો સંપર્ક સાધતા તેઓએ આ અંગે વિગતો આપતા જણાવેલ હતુ કેરાજકોટ નજીકના કણકોટ ગામના વાડી વિસ્તારમાં મનસુખભાઈ સવદાસભાઈની વાડીમાં શૈલેષ મહેશગર અપારનાથી નામનો એક વ્યકિત કામ કરતો હતો આ વ્યકિત વાડીમાં ખેત મજૂરીનું કામ કરતો હતો અને બાજુમાંજ આવેલ એક સ્કુલનું વાન પણ ચલાવતો હતો.
દરમ્યાન આ વ્યકિતએ આજથી ૧૦ દિવસ પહેલાવાડી બહારના રસ્તામાં દુર્લભ ગણાતી ‘આંધળી ચાકળ’ને જોઈ હતી આ આંધળી ચાકળ બે મોઢા વાળી હોય છે. અને તેને બંબોઈ પણ કહેવામાં આવે છે. આ આંધળી ચાકળને જોઈને શૈલેષે તેને પકડી લીધી હતી. અને સૌ પ્રથમ વાડીએ રાખી હતી. બાદમાં શૈલેષના પિતા કે જે કણકોટમાં પ્લોટીંગ છે ત્યાં ઓરડીમાં રહેતા હતા ત્યાં આ સરીસૃપને મૂકી આવ્યો હતો. દરમ્યાન આ અંગે ફોરેસ્ટ ખાતેને ગુપ્ત બાતમી મળતી ગઈકાલે સાંજે ફોરેસ્ટ ખાતાનો સ્ટાંફ ઉપરોકત જગ્યાએ પહોચી ગયો હતો. અને આંધળી ચાકળ સાથે શૈલેષની અટકાયત કરી હતી.
ફોરેસ્ટ અધિકરી શિયાણીના વધુમાં જણાવ્યા મુજબ આ સરીસૃપ શેડયુ ૪માં સમાવિષ્ટ છે. તેને રાખવું જામીન પાત્ર ગુનો છે. આ લુપ્ત થતી જાતુનું સરીસૃપ હાલમાં ભાગ્યે જ જોવા મળે છે. અને ઈન્ટરનેશનલ માર્કેટમાં ખૂબજ મોટી કિંમત અને ડિમાન્ડ છે. અને એવું પણ કહેવાય છે. અમુક અંધશ્રધ્ધળુઓ જુદા જુદા વિધી વિધાનમાં પણ આ સરીસૃપનો ઉપયોગ કરે છે. ફોરેસ્ટ અધિકારી શિયાણીના જણાવ્યા મુજબ આ સરીસૃપને ઝડપી અને ગઈકાલે સાંજે ફોરેસ્ટ ખાતાની વાવડીસ્થિતિ નર્સરી ખાતે રાખી દેવામાં આવેલ હતુ.દરમ્યાન ગઈકાલે મોડીરાત્રે આ સરીસૃપને રામપરાની વીડીમાંમૂકત કરી દેવામા આવેલ હતુ. અને આ સરીસૃપ સાથે પકડાયેલા શૈલેષને પણ જામીન પર મૂકત કરી દેવામાં આવેલ છે.