રામનાથપરામાં બનાવવામાં આવેલી ફ્લાવર માર્કેટના 83 થડાંઓ પૈકી ગણતરીના થડાંઓ પર જ ફૂલના ધંધાર્થીઓ બેસે છે: લાખોનો ખર્ચ પાણીમાં
કોર્પોરેશન દ્વારા શહેરના રામનાથ પરા વિસ્તારમાં ફ્લાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં અલગ-અલગ સાઇઝના 83 થડાંઓ બનાવવામાં આવ્યા છે. જેની ફાળવણી કરવા માટે થોડા સમય પહેલા અરજીઓ મંગાવવામાં આવી હતી. જો કે, ફ્લાવર માર્કેટ એકંદરે ફેઇલ રહેવા પામી છે. કારણ કે થડાં પર બેસી ધંધો કરવાના બદલે ફૂલ વેંચવા માટે વેપારીઓ આજે પણ રાજમાર્ગો પર ધામા નાંખીને બેસે છે.
રામનાથ પરા વિસ્તારમાં 83 થડાંઓ સાથેની ફ્લાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં રામનાથ પરા, બેડીપરા, પારેવડી ચોક સહિતના વિસ્તારોમાં વર્ષોથી રોડ પર પાટ પાથરણા પાથરીને ફૂલ વેંચતા ધંધાર્થીઓને થડાંની ફાળવણી કરવામાં આવી રહી છે. અગાઉ આ થડાંની ફાળવણી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી પરંતુ અમૂક થડાંની જ ફાળવણી થઇ શકી હતી. 200થી વધુ લોકો ફૂલ બજારમાં ફૂલ વેંચવા માટે આવે છે
પરંતુ તેઓને ફ્લાવર માર્કેટમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે થડાં ખાલી પડ્યા હોય છે અને રાજમાર્ગો પર ફૂલના ધંધાર્થીઓના ધામા જોવા મળે છે.
ફ્લાવર માર્કેટ ત્યારે જ સફળ બનશે જ્યારે કોર્પોરેશન તંત્ર ખૂદ તેમાં રસ લેશે. રોડ પર બેસી ફૂલ વેંચતા ધંધાર્થીઓ સામે દંડ કે કોઇ આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો ફ્લાવર માર્કેટ માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહેશે. 83 થડાં હોવા છતાં માત્ર ગણતરીના થડાંની જ ફાળવણી કરવામાં આવી છે અને જે લોકોએ નિયત ચાર્જ ચૂકવીને આ થડાંઓ મેળવ્યા છે તેઓ પણ નિયત સ્થળે બેસીને ધંધો કરતા નથી. સવારના સમયે તેઓ પણ રોડ પર ફૂલો પાથરીને બેસી જાય છે.