માછલીને ખોરાક નાખવા ગયેલા યુવાનનું પુત્રીનું નજર સામે જ મોત: બે યુવતી સહિત ત્રણનો બચાવ
શહેરના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા પરશુરામધામ નજીક તળાવમાં સેલ્ફી લેતી વેળાએ બે મહિલા અને બે પુરુષો ડુબતા ત્યારે માછલીઓને ખોરાક નાખવા આવેલા યુવાને બચાવ માટે તળાવમાં ઝંપલાવ્યું હતું. તેઓ પણ ઉંડા પાણીમાં ગરક થતાં આસપાસના લોકોએ દેકારો મચાવતા લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી તરવૈયાઓ ઘટના સ્થળે દોડી જઈ સ્થાનિક અને ફાયર બ્રિગેડના તરવૈયાઓએ બે મહિલાને બચાવી લીધા જ્યારે ડુબેલા ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફને થતાં ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગતો મુજબ શહેરના આસોપાલવ સોસાયટીમાં રહેતા અને નિત્યક્રમ પ્રમાણે નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા પરશુરામ મંદિર ધામ પાસે આવેલા તળાવમાં માછલીઓને ખોરાક નાખવા આવેલા તરૂણભાઈ નરભેરામભાઈ મેરજા બપોરના સુમારે ગયા હતા. ત્યારે તળાવના કાંઠે મોબાઈલમાં સેલ્ફી લઈ રહેલા અજયભાઈ જીતુભાઈ પરમાર (ઉ.૧૭) અને શક્તિભાઈ સોલંકી અને એક યુવતી અચાનક પગ લપસી જતાં તળાવમાં ડુબવા લાગતા ત્યારે તરૂણભાઈ મેરજાએ પાણીમાં ડુબકી મારી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેઓ પણ ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.
જ્યારે આ બનાવને નજરે જોનારે દેકારો કરતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારે દેવરાજભાઈ ગોવાણી અને ચેતનભાઈ વ્યાસ ઈલેકટ્રીક વાયર તળાવમાં ફેંકતા જેમાં બન્ને મહિલા બચાવ થયો હતો. જ્યારે સ્થાનિક તરવૈયાઓએ તેમજ ફાયર બ્રિગેડના જવાનો દોડી આવી તળાવમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભારે જહેમત બાદ ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફને થતાં તેઓ તાત્કાલીક ઉચ્ચ અધિકારી સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.