જમીન પ્રકરણમાં કારખાનેદાર પિતા-પુત્રને માર માર્યા બાદ
પીએસઆઇને સોડા બોટલ મારી’તી
શહેરની ભાગોળે વાવડી વિસ્તારમાં જમીન પર દબાણ કરી જમીન માલિક કારખાનેદાર પિતા-પુત્ર પર આનંદ બંગલા ચોકમાં હુમલો કરનાર નામચીન કુકી ભરવાડ 150 ફુટ રીંગ રોડ પર હોવાની બાતમીના આધારે માલવીયાનગર પોલીસ ધરપકડ કરવા જતા પી.એસ.આઇ. સહિતના સ્ટાફ પર હુમલો કર્યો હતો. પોલીસે કુકી ભરવાડ સહિત 16 શખ્સો સામે ગુનો નોંધી પાંચની ધરપકડ કર્યા બાદ માલવીયાનગર પોલીસે વધુ પાંચ શખ્સોની ધરપકડ કરી છે.વાવડી વિસ્તારમાં જમીન પર દબાણ કર્યા અંગેની કારખાનેદારે તાલુકા પોલીસમાં અરજી કરતા કારખાનેદાર સાથે કુકી ભરવાડે સમાધાન કરતા અરજી ફાઇલ કરવામાં આવી હતી. ત્યાર બાદ કારખાનેદાર પિતા-પુત્ર આનંદ બંગલા ચોકમાંથી પસાર થતા હતા ત્યારે તેમના પર કુકી ભરવાડે હુમલો કર્યા અંગેની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
માલવીનગર પી.એસ.આઇ. ઝાલા સહિતના સ્ટાફ કુકી ભરવાડને 150 ફુટ રીંગ રોડ પર આવેલી ચામુંડા પાનની દુકાને ધરપકડ કરવા જતા તેમના પર કુકી ભરવાડ સહિત 16 શખ્સોએ પીએસઆઇ ઝાલા અને હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ પર સોડા બોટલ મારી હુમલો કર્યો હતો. પીઆઇ ભુકણ સહિતના સ્ટાફે કુકી ભરવાડ સહિત પાંચ શખ્સોની ધરપકડ કર્યા બાદ લાંબા સમયથી વોન્ટેડ ગીતાનગરના રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ મીર, ભરત ઉર્ફે લાલો સંગ્રામ મીર, કોઠારિયા સોલવન્ટના કરશન સોંડા જોગરાણા, ખોડીયારનગરના રતુ મઘા મીર અને નવઘણ ધના જોગરાણા નામના શખ્સોની ધરપકડ કરી છે. રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ મીર મારામારી અને એટ્રોસિટીના ગુનામાં ચાર વખત માલવીયાનગર પોલીસમાં અને ચોટીલા પોલીસે હથિયાર સાથે ધરપકડ કરી છે. છગન સંગ્રામ મીર અને તેની સાથેના સાત જેટલા શખ્સોની સંડોવણી હોવાથી પોલીસે તેની શોધખોળ હાથધરી હોવાનું પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમ અને પી.આઇ. ભુકણે જણાવ્યું છે.