જામનગરમાં ડ્રાઈવર સહિત રાજકોટના મુસાફરો ઇજાગ્રસ્ત: જાનહાનિ ટળી
રાજકોટ શહેરના ભાગોળે આવેલા પરાપિપડિયા પાટિયા પાસે ડીવાઇડરમાંથી આડે ઉતરેલા આઇસરમાં કાર ઘૂસી જતાં જામનગરના ડ્રાઈવર સહિત રાજકોટના મુસાફરોને ઇજા થતાં તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ખોજા ગેટ પાસે રહેતા અને ડ્રાઈવિંગનું કામકાજ કરતા ઈમરાનભાઈ મહંમદભાઇ સમાં નામના ૨૬ વર્ષીય યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ પોતે ગઇ કાલે રાત્રીના જામનગરથી રાજકોટ પટે પોતાની કારમાં ફેરો કરી રહ્યો હતો ત્યારે પરાપીપડિયા પાસે જીજે-૦૨-ઝેડઝેડ-૭૦૦૮ નંબરના ગેસ સિલિન્ડરથી ભરેલા આઇસરના ચાલકે ડીવાઈડરથી આડે ઉતારતા કાર આઇસરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કાર ડ્રાઈવર ઇમરાન સમાં સહિત રાજકોટમાં ભાવનગર રોડ પર પટેલવાડી પાસે રહેતા સલીમભાઈ દાઉદભાઈ શોહરવર્દી (ઉ.વ.૫૦) તેમના પુત્ર કાસમ શોહરવર્દી (ઉ.વ.૨૫) તથા મનહરપરા -૧માં રહેતા રઝાકભાઈ દાઉદભાઈ કાતિયાર (ઉ.વ.૫૦) અને કોટેચા ચોક પાસે રહેતા જીગર રામજીભાઈ ધારૈયા (ઉ.વ.૨૨) અકસ્માતમાં ઘવાતા પાચેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને ડ્રાઈવર ઇનરણભાઈ સમાની ફરિયાદ પરથી આઇસર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ રાજકોટના મુસાફર પિતા પુત્ર અને વધુ એક વ્યક્તિ કપડાના ધંધાર્થી હોવાથી તેઓ ધ્રોલ કપડાની ખરીદી કરવા ગયા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.