બાઇક અથડાતા થયેલી બોલાચાલીમાં પિતા-પુત્રીને કાતર ઝીંકી દીધી: પાંચેયની આકરી પૂછપરછ
સાધુવાસવાણી રોડ પર યુવતી સાથે બાઇક અથડાયા બાદ થયેલી બોલાચાલીમાં પાંચ શખ્સોએ ઝઘડો કરી પિતા-પુત્રી પર કાતરથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા યુનિર્વસિટી પોલીસે પાંચેય શખ્સોને ઝડપી આકરી પૂછપરછ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સગુણ સોસાયટીમાં રહેતા અને અમદાવાદ ખાતે નિવૃત થયેલા પી.એસ.આઇ. પોપટભાઇ સોમાભાઇ પરમારે રૈયા ગામની રાજયગુરૂ હોસ્પિટલ પાસે રહેતા ધર્મજીતસિંહ રણજીતસિંહ ઝાલા, સાધુવાસવાણી રોડ પરના યોગેશ ભના ચાવડા, રૈયા ગામના નિમેશ સંજય ધામેલીયા, રૈયાધારના યાજ્ઞિક દિનેશ ભટ્ટી અઅને ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરના પાવન રાજેશ પરમાર નામના શખ્સો સામે કાતરથી હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોપટભાઇ પરમારની પુત્રી દર્શના પોતાની ઓફિસે જઇ રહી હતી ત્યારે સાધુવાસવાણી રોડ પર આવેલી આઇસીઆઇસી બેન્ક પાસે ધર્મરાજસિંહ ઝાલાનું બાઇક અથડાતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આથી દર્શનાએ મોબાઇલમાં પોતાના પિતાને જાણ કરી બોલાવ્યા હતા તે દરમિયાન ધર્મરાજસિંહ ઝાલાએ પણ પોતાના મિત્રોને બોલાવી દર્શના પરમાર સાથે ઝઘડો કર્યો હતો. આથી પોપટભાઇ પરમાર તેની દુકાને ઠપકો દેવા જતા તેમના પર પણ કાતરથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડા, પી.એસ.આઇ. એ.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયંતીગીરી અને રાજેશ મિયાત્રા સહિતના સ્ટાફે પાંચેય શખ્સોની ધરપકડ કરી આકરી પૂછપરછ કરી છે.