શહેરની બેઠકોના આ મતદારોને રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય બેઠકોના આ મતદારોને ગોંડલમાં ડિનર વિથ કલેકટરમાં બોલાવાશે
રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠક ઉપર મતદાન કરનાર પ્રથમ બે યુવા મતદાર અને બે વૃદ્ધ મતદારોને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત તેઓને ડિનર વિથ કલેકટરમાં પણ બોલાવવામાં આવનાર હોવાનું જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ જાહેર કર્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકમાં પણ વધુમાં વધુ લોકોને મતદાન કરવા પ્રેરવા જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે તેઓએ ખાસ થર્ડ જેન્ડર સેલિબ્રિટી રાગીનીને નિયુક્ત કરી છે. તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરણા આપી રહી છે. આ ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ એવા પગલાં લેવામાં આવી રહ્યા છે કે લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ વધે.
આ અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે રાજકોટ જિલ્લાની તમામ આઠ બેઠકો ઉપર મતદાન કરનાર પ્રથમ બે યુવા મતદાર અને પ્રથમ બે સિનિયર સીટીઝન મતદાર અને બેથર્ડ જેન્ડરને બુથ ઉપર જ સ્ટાફ દ્વારા સન્માનિત કરવામાં આવનાર છે.
ત્યારબાદ આ તમામના નામ અને નંબર સ્ટાફ દ્વારા લેવામાં આવશે. બાદમાં બે સ્થળોએ ડિનર વિથ કલેકટરનું આયોજન કરવામાં આવનાર છે. આ આયોજન ચુટણી બાદ કરવામાં આવશે. શહેરની બેઠકોમાં મતદાન કરનાર પ્રથમ બે સિનિયર સીટીઝન અને યુવા મતદારને રાજકોટ શહેરમાં જ તથા ગ્રામ્ય બેઠકોમાં મતદાન કરનાર પ્રથમ બે સિનિયર સીટીઝન અને યુવા મતદારોને ગોંડલ ખાતે બોલાવવામાં આવશે. તેઓની સાથે કલેકટર પણ ડિનર કરીને વાતચીત પણ કરશે.
ટીપરવાન મારફત પણ મતદાન જાગૃતી ફેલાવાશે
જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુએ જણાવ્યું કે રાજકોટ શહેરમાં મતદાન જાગૃતિ લાવવા ટીપરવાન ચાલકોની પણ મદદ લેવામાં આવશે. હાલ આ મામલે તૈયારીઓ ચાલી રહી છે. ટીપરવાનમાં બેનર કે માઇક લગાવી અવશ્યપણે મતદાન કરવાનો સંદેશો શહેરભરમાં પ્રસરાવવામાં આવશે. ટીપરવાનની દરરોજ લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે આ પ્રયાસથી લોકો સુધી સરળતાથી સંદેશો પહોંચાડી શકાશે.
મતદાન અંગેની કોલરટ્યુન ચાલુ કરવા વોડાફોન અને બીએસએનએલ સાથે વાતચિત
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુએ જણાવ્યું કે લોકોને અવશ્યપણે મતદાન કરવાનો સંદેશો આપતી ઓડિયો કલીપ કોલરટ્યુન તરીકે આવે તે માટે વોડફોન અને બીએસએનએલ કંપની સાથે વાતચીત ચાલુ છે. બન્ને કંપનિને જિલ્લા ચૂંટણી તંત્રએ રિકવેસ્ટ કરી છે. જો તેઓની સહમતી મળશે તો જિલ્લામાં આ કોલરટ્યુન મારફત મતદાન જાગૃતિ લાવવામાં આવશે.
કાલે કોફી વિથ કલેકટર : અરુણ મહેશબાબુ યુવા મતદારો સાથે કરશે સંવાદ
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંગેની જાગૃતી લાવવા માટે આવતીકાલે કોફી વિથ કલેકટર કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમનું સ્થળ હજુ સુધી નક્કી કરાયુ નથી. પણ તેની રૂપરેખા કલેકટર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે કાલે તેઓ કોફી વિથ કલેકટરમાં યુવા મતદારો સાથે કોફી અને ચાની ચૂસકી લેતા લેતા સંવાદ કરશે. વધુમાં યુવા મતદારોને મુંઝવતા પ્રશ્નોના તેઓ જવાબ પણ આપશે અને યુવાનોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરશે. મતદાન જાગૃતિ સંદર્ભે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મતદાન જાગૃતિ માટે તમામ અખબારોની પણ મદદ લેશે ચૂંટણી તંત્ર
જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ મતદાન જાગૃતી ફેલાવવા માટે તમામ અખબારોની પણ મદદ લેવાનું જણાવ્યું છે. લોકોને પોતાની ફરજના ભાગરૂપે અવશ્ય મતદાન કરવુ તેવો સંદેશો આપતા પેમ્પ્લેટ ચૂંટણી તંત્ર દ્વારા છપાવવામાં આવ્યા છે. આ તમામ પેમ્પ્લેટ તમામ અખબારોને આપીને તે અખબારની સાથે વિતરણ કરવામાં આવશે.
કોર્પોરેશનની ટેક્સ શાખા દ્વારા લોકોને અવશ્ય મતદાન કરવાના બલ્ક મેસેજ મોકલાશે
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની મદદ લેવામાં આવી છે. મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા ટેક્સ ભરતા શહેરીજનોનો ડેટા સંગ્રહિત હોય, આ શાખા દ્વારા આ તમામ લોકોને મતદાનના એક દિવસ પૂર્વે અવશ્ય પણે મતદાન કરવા જવાની અપીલ કરતા બલ્ક મેસેજ મોકલવામાં આવશે. તેમ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.