80 મીટર સુધી આગ બુઝાવી શકાય તેવું ફાયર ફાઈટર જૂલાઈમાં આવી જશે
90 લાખના ખર્ચે નવી 5 શબવાહિની ખરીદાશે
રાજકોટમાં આકાશને આંબતી ઈમારતો આકાર લઈ રહી છે પરંતુ આવી બિલ્ડીંગોમાં જો આગ લાગે તો તેને બુઝાવવા માટેના પર્યાપ્ત સાધનો કોર્પોરેશન પાસે ઉપલબ્ધ નથી. હાઈરાઈઝ બિલ્ડીંગ અને મલ્ટીપ્લેકસમાં આગ લાગે ત્યારે ઝડપથી રાહત અને બચાવ કામગીરી કરી શકાય તે માટે ફાયર વિભાગ માટે 80 મીટર ઉંચાઈના હાઈડ્રોલીક પ્લેટફોર્મ કે જેની કિંમત 20 કરોડ રૂપિયા જેવી થવા પામે છે તેને ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતા વર્ષે જુલાઈ માસના અંત સુધીમાં 80 મીટરના હાઈડ્રોલીક પ્લેટફોર્મવાળુ ફાયર ફાઈટર આવી જશે. શહેરનો વિસ્તાર સતત વધી રહ્યો છે ત્યારે ફાયર સ્ટેશનો બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ 7 ફાયર સ્ટેશનમાં 2 મીની રેસ્કયુ વાન, 5 ડેડબોડી વાન, 4 ફાયર વોટર ટેન્કર, 4 એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ છે. હવે નવા સાધનો વસાવવા માટે બજેટમાં 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અલગ-અલગ બે સ્થળોએ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે અને આજી જીઆઈડીસી ખાતે પણ ટુંક સમયમાં જગ્યા અને નાણાનું આયોજન થતા ફાયર સ્ટેશન બનાવવાનું કામ હાથ પર લેવામાં આવશે.