આગ લાગવાની ઘટનામાં મહામુલી માનવ જીંદગી હણાય જવાના કેસમાં સતત થઈ રહેલા વધારાના કારણે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની જોરદાર ઝાટકણી કાઢવામાં આવી છે. જેના પગલે રાજ્યભરમાં હવે ફાયર એનઓસી મામલે તંત્ર થોડુ ગંભીર બન્યું છે. રાજકોટ શહેરમાં ફાયર એનઓસી વીના ધમધમતી શાળા કોલેજો અને હોસ્પિટલોને નોટિસ ફટકાર્યા બાદ હવે કોર્પોરેશન ફાયર બ્રિગેડ એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા ટીપી શાખા સાથે સંકલન સાધી 757 હાઈરાઈડ્ઝ બિલ્ડીંગોને ફાયર એનઓસી મામલે નોટિસ ફટકારવામાં આવી છે.
7 દિવસમાં ફાયર એનઓસી અંગે પુરાવા રજૂ કરવા આદેશ
આગામી 1 સપ્તાહમાં એનઓસી અંગેના પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. અન્યથા નળ જોડાણ કે ડ્રેનેજ જોડાણ કપાણ કરવા તાકીદ કરાઈ છે. આ અંગે વધુ માહિતી આપતા ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જણાવ્યું હતું કે, શહેરમાં 18 વોર્ડમાં આવેલી હાઈરાઈડ્ઝ બિલ્ડીંગો અંગે ટીપી શાખા પાસે માહિતી એકત્રીત કરવામાં આવી હતી. ટીપી શાખા દ્વારા કુલ 757 હાઈરાઈડ્ઝ બિલ્ડીંગોને પરવાનગી આપવામાં આવી છે. આ તમામ બિલ્ડીંગોને ફાયર એનઓસી રજૂ કરવા માટે ફાયર એકટ મુજબ નોટિસ ફટકારવામાં આવી છે.
જો બિલ્ડીંગ સંચાલકો કે બિલ્ડર દ્વારા એનઓસી માટેના પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો જરૂર પડ્યે તેઓના નળ જોડાણ અથવા ડ્રેનેજ જોડાણ પણ કપાત કરી નાખવામાં આવશે. હાઈરાઈડ્ઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તેની ચકાસણી કરવા માટે કુલ 17 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમમાં એક ટીપી શાખાનો સ્ટાફ અને એક ફાયર શાખાનો સ્ટાફ રહેશે અને નિયમીત ચકાસણી કરી બિલ્ડીંગોને ફાયર એનઓસીના સાધનોની પૂર્તતા કરવા માટે સમજાવવામાં આવશે. સમજાવટ છતાં જો ફાયરના સાધનો માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેની સામે શિક્ષાત્મક પગલા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, તાજેતરમાં ફાયર બ્રિગેડ શાખા દ્વારા બીજા રાઉન્ડમાં શહેરમાં 93 હોસ્પિટલોને ફાયર એનઓસી અંગે નોટિસ આપવામાં આવી છે. જે પૈકી 31 હોસ્પિટલો દ્વારા ગઈકાલ રાત સુધીમાં ફાયરના સાધનો વસાવી એનઓસી મેળવી લેવા માટે અરજી કરી દેવામાં આવી છે. હવે માત્ર 62 હોસ્પિટલો એવી છે કે જેની પાસે ફાયર એનઓસી નથી. શાળાઓમાં પણ ફાયરના પુરતા સાધનો વસાવી લેવામાં આવે તે માટે ડીઈઓ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે.