સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ લોકમેળાનો શનિવારથી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે લોકમેળામાં રહેલા સ્ટોલ તેમજ રાઇડસને કલરકામ સહિત તૈયરીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શનિવારથી શરૂ થનાર 6 દિવસ ચાલનાર લોકમેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. આ વર્ષનો લોકમેળો પ્લાસ્ટિક મુક્ત રાખવામાં આવ્યો છે.
રંગીલા રાજકોટના રંગીલા મેળાને શનિવારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામાના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. શનિવારથી શરૂ થનાર આ રંગીલો મેળો 6 દિવસ સુધી ચાલશે. જેમાં સૌરાષ્ટ્રભરના અંદાજીત 10 લાખથી પણ વધુ લોકો આ મેળાની મજા માણે તેવું જાણવા મળ્યું છે. આ વખતે રાજકોટના લોકમેળાને ‘ગોરસ મેળો’ નામ આપવામાં આવ્યું છે.
જો મેળામાં રહેલ રાઈડસ અને સ્ટોલની વાત કરવામાં આવે તો ખાણીપીણીના 19 સ્ટોલ, આઇસ્ક્રિમના 16 સ્ટોલ, રમકડાના 178 સ્ટોલ, યાંત્રિક રાઇડ્સ 44 મળી કુલ 347 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે યોજાનાર રંગીલા મેળાને ખરા અર્થમાં રંગીલો મેળો સાબિત કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ વર્ષે રાજકોટના લોકમેળામાં સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત એટલે કે મેળામાં પ્લાસ્ટિકનું વેચાણ તથા ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઇ વ્યક્તિ પ્લાસ્ટિક સાથે ઝડપાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.