રાજકોટમાં જંકશન પ્લોટ પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ગત મોડી રાત્રીના ભીષણ આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં રહેલા એલપીજી ગેસના બાટલા બ્લાસ્ટ થતાં આસપાસના રહેવાસીઓ રોડ પર દોડી આવ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગના જવાનોએ ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
જ્યારે આ ગોડાઉનમાં રહેલા અન્ય ૨૪ ગેસના બાટલા ફાયરના જવાનોએ કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના અંગે જાણ થતાં મહેસૂલ વિભાગ અને પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. આગ લાગ્યા અંગે મામલતદાર દેવેનસિંહ ચૌહાણ પણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને આગનું કારણ જાણવા માટે તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જંકશન પ્લોટ પાસે આવેલા સરકારી ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. ગત રાત્રીના ૩ વાગ્યાની આસપાસ ગોડાઉનમાં આગ લાગી હતી. જેની જાણ થતાં મુખ્ય ફાયર મથક સહિત રેલનગર અને બેડી ફાયર મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને આગને અન્ય ગોડાઉનમાં પ્રસરતા રોકી હતી.
જંકશન પ્લોટમાં આવેલા સરકારી ગોડાઉનમાના એક ગોડાઉનમાં ગઇ કાલે મોડી રાત્રીના આગ લાગતાં ફાયર વિભાગ સહિત પોલીસતંત્ર અને મામલતદાર દેવેનસિંહ ગોહેલ સહિતના અધિકારીઓ પણ દોડી ગયા હતા. આ ગોડાઉનમાં બિનઉપયોગી વસ્તુઓનો સંગ્રહ થતો હોવાથી કોઈ મોટું નુક્સાન થયું ન હતુ. પરંતુ આ જ ગોડાઉનમાં સીઝ કરેલા અંદાજિત ૩૦ જેટલા ગેસના બાટલા રાખવામાં આવ્યા હતા.
ગત રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ ગોડાઉનમાં એકાએક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. ક્ષણભરમાં જ ગોડાઉનમાં રહેલા ગેસના બાટલા સુધી આગ પ્રસરી જતાં ધડાકાભેર ફાટતાં રહેવાસીઓ રોડ પર દોડી આવ્યા હતા. ત્યારે એક પછી એક પાચ ધડાકા થતાં રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પરંતુ ફાયબ્રિગેડના જવાનોની સુજબુજથી અન્ય ૨૪ જેટલા ગેસના બાટલા કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.
આગની ઘટનાને પગલે ગોડાઉનમાં રહેલી વેસ્ટ કોટનના થેલા, વેસ્ટ કાગડો, નમક, બાળ ભોજનની થેલીઓ, ગેસના બાટલા સહિતની વખરીઓ બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટના અંગે મામલતદાર દેવેનસિંહ ગોહેલ દ્વારા નોંધ કરી સીસીટીવી ફૂટેજ મેળવી આગ લાગવાનું કારણ જાણવા માટે તજવીજ હાથધરવામાં આવી છે.