- રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો-બેન્ડની સુરાવલીઓ, પોલીસ બાઇક, વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ, ઉદ્યોગકારો, શહેરશ્રેષ્ઠીઓએ બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રાને કાયમી સંભારણું બનાવ્યું-નશાબંધીના શપથ ગ્રહણ કરતા નગરજનો
- અબતકના આંગણે તિરંગા સાથે રાસ ગરબાની રમઝટ જામી
“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ યોજાયેલી તિરંગા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી સવારે 9 કલાકે ફલેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત દેશપ્રેમી શહેરીજનોને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણો દેશ અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે સૌ દેશવાસીઓ માટે તિરંગા યાત્રાએ દેશભક્તિનો અમૂલ્ય અવસર છે. આ અવસરે દેશના અને રાજયના પ્રત્યેક નાગરિકે ખભે-ખભો મિલાવીને દેશની પ્રગતિમાં સહભાગી થવા તેમણે ઉપસ્થિતોને પ્રેરક આહવાન કર્યું હતું.
કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ ભારતની ઐતિહાસિક ધરોહર છે, એમ સગૌરવ જણાવતાં મુખ્યમંત્રીએ તિરંગા યાત્રામાં સામેલ થયેલા તમામ નાગરિકોને આવકાર્યા હતા. ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ આ તિરંગા યાત્રામાં જોડાયેલ તમામ નાગરિકોને નશાબંધીના શપથ લેવડાવ્યા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીનું રાષ્ટ્રીય ધ્વજની પ્રતિકૃતિ તથા ઔષધિય છોડથી સ્વાગત કરાયું હતું. મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” પૂર્વભૂમિકા સમજાવી હતી અને નગરજનોને આ યાત્રામાં સામેલ થવા બદલ આવકાર્યા હતા. જયારે મેયર ડો.પ્રદીપ ડવએ યાત્રાને રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાયેલી તિરંગા યાત્રામાં સહભાગી થયેલ તમામ શહેરીજનોનું અભિવાદન કર્યું હતું. તેમજ મંચસ્થ મહાનુભાવોનું ઔષધીય છોડ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી દ્વારા આરંભાયેલી આ યાત્રા મહાત્મા ગાંધીજીના સંભારણા જ્યાં જોડાયેલા છે એવી રાષ્ટ્રીય શાળા ખાતે આ સંપન્ન થઇ હતી.
રાજકોટ ટેકસટાઇલ્સ એસોસીએશન દ્વારા બનાવાયેલા 200 ફુટ લાંબા રાષ્ટ્રીય ધ્વજને એન.સી.સી.કેડેટસના જવાનો પુરા સન્માન સાથે સમગ્ર યાત્ર દરમ્યાન સાથે લઇને ફર્યા હતા. વિવિધ પોઇન્ટ પર દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા.
આ યાત્રામાં પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્સ, પોલીસ બેન્ડ, એન.સી.સી. બ્રહ્માકુમારી તથા ગુરુકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાયા હતા.