તસ્કરોને મોટી મતા હાથ નહિ લાગતા સીસીટીવી કેમેરા જ ચોરી ગયા : તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથધરી
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ચોરી અને લૂંટના અનેક બનાવો બની રહ્યા છે.ત્યારે વધુ એક વખત ચોરીનો બનાવ સામે આવ્યો છે.જેમાં ગોંડલ રોડ પર આવેલી 10 જેટલી દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા.બનાવ સામે આવતા જ પોલીસ સ્ટાફના દોડધામ મચી જવા પામી હતી.પોલીસે ઘટના સ્થળે જોઈ તપાસતા જાણવા મળ્યું હતું કે,તસ્કરોને કોઈ મોટી મતા હાથ નહિ લાગતા સીસીટીવી કેમેરા જ ઉઠાવી ગયા હતા.હાલ પોલીસે તે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે.
બનાવની વિગતો અનુસાર ગોંડલ રોડ પરના મહમદીબાગ શેરી નં.10માં રહેતા રઝાકભાઈ નુરમહમદભાઈ દોઢીયા (ઉ.વ.પર)ની ગોંડલ રોડ પર રવેચીનગર શેરી નં.6માં વિવેક એન્ટરપ્રાઈઝ નામની સ્પેર પાર્ટસની દુકાન છે. તેના મોબાઈલમાં દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરા જોડાયેલા છે. આજે સવારે તેણે મોબાઈલમાં જોતા દુકાનમાં સામાન અસ્ત વ્યસ્ત જોવા મળ્યો હતો.
જેથી તત્કાળ દુકાને દોડી ગયા હતા. શટરના તાળાં તોડી જોતાં પાછળની બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કર્યાનું જણાયું હતું. ટેબલના ખાના અને દુકાન ચેક કરતાં કોઈ વસ્તુની ચોરી થયાનું જણાયું ન હતું.
વધુ તપાસ કરતા બાજુમાં આવેલી મજીદ સુલેમાનભાઈ ડેલાની કારવા ગેરેજ,અભયસિંહ પથુભાઈ ચૌહાણની તીરૂપતી મોટર્સ,સંજયભાઈ મોહનભાઈ દેવડીયાના વિશ્વકર્મા મોટર ગેરેજ, સીરાજભાઈ ઓસમાણભાઈ સુમરાના નેશનલ કાર એ.સી. ગેરેજ, રાજેશભાઈ ભગવાનદાસ રામાવતના સદ્દગુરૂ મારબલ, મયુરભાઈ મગનભાઈ વીરોજાની માલીકીના મયુર ગ્રેનાઈટ અને સંજયભાઈ હેમરાજભાઈ ગાંગાણીની માલીકીના પટેલ ગ્રેનાઈટ એન્ડ સીરામીકમાં પણ તસ્કરો ત્રાટકી ટેબલના ખાના ફંફોડયા હતા. પરંતુ કોઈ મોટી મત્તા હાથ લાગી ન હતી.તાલુકા પોલીસે ચોરીનો પ્રયાસ અને નુકશાનીની કલમો હેઠળ ગુનો નોંધી ચોરોની શોધખોળ હાથધરી છે.