આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું : સ્યુસાઇડ નોટમાં પૂર્વ પ્રેમિકા અને તેના પરિવારજનો પર કર્યા આક્ષેપ
રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વ્યાપાર કરતા આધેડે પૂર્વ પ્રેમિકાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મૃતક આધેડે ઝેર પી જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત પહેલા પ્રૌઢે લખેલી સ્યુસાઈડ નોટમાં તેની પૂર્વ પ્રેમિકા અને તેના પરિવારજનો પર આક્ષેપ કર્યો હતો જેના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આવેલા લક્ષ્મીવાડી ક્વાર્ટરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા રાજેશભાઈ પ્રતાપભાઈ પરમાર નામના 47 વર્ષના આધેડે બે દિવસ પૂર્વે ઢેબર રોડ પર આર્ય સમાજની વાડી પાસે ઝેરી દવા પી લીધી હતી. શાકભાજીના વેપારીને ઝેરી અસર થતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજેશભાઈની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેનું ચાલુ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
મૃતક રાજેશભાઈ પરમારે ઝેરી દવા પીધી તે પૂર્વે એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં મૃતક રાજેશ પરમારને લક્ષ્મીવાડી ક્વાર્ટરમાં રહેતી મિતલ પંકજ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો અને બાદમાં મિતલને અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ રાજી ખુશીથી પ્રેમ સંબંધ ટૂંકાવી લીધો હતો. રાજેશભાઈ પરમારે મિતલ સાથે પ્રેમ સંબંધ નહીં રાખવા અંગે રંજનબેન શૈલેષભાઈ રાઠોડ, ખમ્મા સુખદેવ જાદવ અને પંકજ હસમુખભાઈ રાઠોડને જાણ કરી હતી. જે વાતથી ઉશ્કેરાયેલા શખ્સોએ બદલો લેવાના હેતુથી ભક્તિનગર પોલીસમાં રાજેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને મિતલ રાઠોડે પૈસાની પણ માંગણી કરી હતી. એટલું જ નહિ પરંતુ મિતલ રાઠોડ મારા પરિવાર વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ કરવાની અવાર-નવાર ધમકીઓ આપતી હતી જેથી પ્રેમિકા અને તેના પરિવારના ત્રાસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું રાજેશ પરમાર પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
આ ઘટના અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાજેશભાઇ પરમાર બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને કુંવારા હતા અને શાકભાજીનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. મૃતક રાજેશભાઈ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે જે સ્યુસાઇડ નોટના આધારે પોલીસે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.