પતિ ઇંગ્લેન્ડ ગયા બાદ પુત્રવધૂએ ડાંગમાં સાસુ – સસરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતા ડીડીટી ગટગટાવી
રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં વૃદ્ધ દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કરતા ચકચારી મચી ગઇ છે. જેમાં પુત્રવધૂના ત્રાસથી કંટાળી દંપતીએ ડીડીટી ગટગટાવી લેતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ગંજીવાડા વિસ્તારમાં શેરી નંબર – 66માં રહેતા નિઝામભાઈ ઓસમાણભાઈ માંકોડા નામના 66 વર્ષના વૃદ્ધ અને તેના પત્ની ઝરીના માંકોડા (ઉ.વ.59) એ પોતાના ઘરે ડીડીટી ગટગટાવી લેતાં તેઓને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના બિછાને રહેલા દંપતીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી ઇંગ્લેન્ડ રહેતા તેમના પુત્ર મોહંમદ હનિફની પત્નીનું બીમારીના કારણે મોત થયું હતું. ત્યાર બાદ મોહંમદ હનીફ ઈંગ્લેન્ડથી આવતા પરિવારજનોએ તેના ડાંગની રાદિયા સાથે બે માસ પહેલા ફરીથી નીકાહ કરાવતા હતા.
મોહંમદ હનીફની પત્ની રાદીયા 25 દિવસ પહેલા ડાંગ માવતરે ગઇ હતી. મોહંમદ હનીફ હાજર ન હોવાથી પુત્રવધૂ રાદિયા ને તેડવા સાસુ સસરા ડાંગ ગયા હતા. પરંતુ ત્યાં પહોંચતા જાણવા મળ્યું કે પુત્રવધૂ રાદિયાએ તેમની સામે પોલીસમાં ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ નોંધાવી છે.જેના કારણે પુત્રવધૂના માનસિક ત્રાસના કારણે નિઝામ ભાઈ અને તેમના પત્ની ઝરીનાબેને ઘરે પરત ફરી બંનેએ ડીડીટી ગટગટાવી સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.