ખાનગી બિલ્ડરની સાઇટ માટે ઊંડા ખાડા ખોદવામાં આવતા ભારે વરસાદમાં સોસાયટીના મકાનોના પાયા બેસવા લાગ્યા
મ્યુનિ.કમિશનર અમિત અરોરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી ઘટનાસ્થળે દોડી ગયા
શહેરના વોર્ડ નં.9ના રૈયા રોડ પર સવન સિગ્નેટ બિલ્ડીંગની સામે તુલસી માર્ટની નજીક શિવમ સોસાયટી પાસે એક ખાનગી બિલ્ડરની બિલ્ડીંગ સાઇટ માટે ઊંડા પાયા ખોદવામાં આવતા શિવમ સોસાયટીના પાયાનું ધોવાણ થઇ ગયું હતું. ભારે વરસાદમાં સોસાયટીના 13 મકાનોના પાયા બેસી જાય તેવી ભીતી જણાતા તાત્કાલીક અસરથી 75 લોકોનું બિસપ હાઉસ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે રૈયા રોડ પર શિવમ સોસાયટીની પાછળના ભાગે એક ખાનગી બિલ્ડીંગ સાઇટ બની રહી છે. બિલ્ડર દ્વારા ઊંડા પાયા ખોદવામાં આવ્યા છે.
જેના કારણે શિવમ સોસાયટીના 13 મકાનના પાયાનું ગઇકાલે રાત્રે પડેલા ભારે વરસાદમાં ધોવાણ થઇ ગયું હતું. નીચેની જમીન પોચી પડી જવાના કારણે પાયા બેસી જાય તેવી દહેશત ઉભી જવા પામી હતી. આજે સવારે મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તથા વોર્ડના કોર્પોરેટર જીતુભાઇ કાટોડીયા સાથે સ્થળની મુલાકાત લીધી હતી. હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય કોઇ દુર્ધટના ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે 13 મકાનોમાં વસવાટ કરતા 75 લોકોનું બિસપ હાઉસ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે બિલ્ડરો જ્યારે મોટા પાયા ખોદતા હોય ત્યારે આજુબાજુના મકાનોનું ધ્યાન રાખતા હોય છે પરંતુ શિવમ સોસાયટીમાં બિલ્ડર દ્વારા નિયમ વિરૂધ પાયાનું ખોદકામ કરવામાં આવ્યું છે કેમ?તે પણ એક મોટો સવાલ છે. પાયા ખોદાયા બાદ સોસાયટીના ડુપ્લેક્ષના પાયા દેખાવા માંડ્યા હતા. દરમિયાન રાત્રે પડેલા ભારે વરસાદના કારણે પાયાનું ધોવાણ થઇ જતા જમીન પોચી થઇ ગઇ હતી. જેના કારણે તાત્કાલીક અસરથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.