વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાની અનેક ઘટનાઓ લોકોને વિચારવા માટે મજબૂર કરી દે છે એવી જ એક ઘટના રાજકોટમાં ઘટી હતી.જેમાં આજરોજ વહેલી સવારે માતાજી પંડમાં આવતા હોવાથી પરપ્રાંતીય ચોકીદારે પોતાની પત્ની, પુત્ર અને પુત્રી પર આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ પુત્રીનું મોત નિપજ્યું હતું જ્યારે પત્ની અને પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વહેલી સવારે ચોકીદારે પત્ની, અને સંતાનો પર છરી વડે તૂટી પડયો: માતા – પુત્ર ગંભીર: હત્યારાની ધરપકડ
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઇન્દિરા સર્કલ પાસે આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં રહેતા અને ચોકીદારી કરતા નેપાળી પરિવારમાં આ જ ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પ્રેમ શાહુ નામના શખ્સે વહેલી સવારે પોતાની પત્ની બસંતી શાહુ (ઉ.વ.૨૫), તેનો પુત્ર નિયત શાહુ (ઉ.વ.૪) અને પુત્રી લક્ષ્મી શાહુ (ઉ.વ.૩ માસ) પર છરી વડે હુમલો કરતા ત્રણેયને તાત્કાલિક સાગર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે માસુમ બાળકી લક્ષ્મીને મૃત જાહેર કરતા બનાવો હત્યામાં પલટાયો હતો.
આ ઘટના અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજા સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો જ્યાં બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પ્રેમ શાહુ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં રહીને ચોકીદારી કરતો હતો.તેને આજરોજ વહેલી સવારે માતાજી પંડમાં આવતા પરિવારજનો પર છરી વડે તૂટી પડ્યો હતો જેમાં ગંભીર રીતે ગવાયેલી માસુમ બાળકી લક્ષ્મીનું મોત નીપજ્યું હતું ત્યારે તેની પત્ની બસંતી અને પુત્ર નિયતની હાલત પણ ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે. યુનિવર્સિટી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હત્યારાને ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડ્યો હતો.