રાજકોટ શહેરની ભાગોળે આવેલા ખારચીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં પિતા પુત્રના મોત થયા છે. જ્યારે માતા અને પુત્રીને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હલેન્ડા ગામે સોપારી આપીને સુરાપુરા દાદા ના દર્શન કરી પરત ફરતી વેળાએ રાજકોટના પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જીને બોલેરોનો ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
હલેન્ડા ગામે સોપારી આપી સુરાપુરાના દર્શન કરી પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો: અકસ્માતમાં માતા-પુત્રી ઘવાતાં સારવાર અર્થે ખસેડાયા: બોલેરો ચાલક ફરાર
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલી પંચનાથ સોસાયટીમાં પંચનાથ હાઇટસ્માં રહેતા અને સોપારીનું કામકાજ કરતા હરેશભાઈ લાલજીભાઈ ક્યાડા (ઉ.વ.36) પોતાના જીજે 03 એમડી 2309 નંબરના બાઈક પર પત્ની સેજલબેન ક્યાડા (ઉ.વ.35), પુત્રી ક્રિષા કયાડા (ઉ.વ.16) અને પુત્ર જય ક્યાડા (ઉ.વ.12) સાથે હલેન્ડા અને સરધાર ગામે સોપારી આપવા ગયા હતા અને ત્યાંથી સુરાપુરા દાદાના દર્શને ગયા હતા.
દર્શન કરીને પરત ફરી રહેલા ક્યાડા પરિવારના બાઈકને ખારચિયા ગામ પાસે પુરપાટ ઝડપે દોડી આવતા જીજે 04 વી 1772 નંબરના ટાટા 407ના વાહન ચાલકે અડફેટે લેતાં તમામ પરિવારના સભ્યો ફૂટબોલની જેમ ફંગોળાયા હતા. અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિકજામનાં સર્જાયો હતો. આ અંગે ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક કલિયર કરાવી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પિતા હરેશભાઈ અને તેના પુત્ર જયને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. જ્યારે ઘવાયેલા સેજલબેન અને તેમની પુત્રી ક્રિષાને દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. ગમખ્વાર અકસ્માત પગલે ટાટા 407 નો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે સેજલબેનની ફરિયાદ પરથી ટાટા 407 વાહનના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. તેમજ બીજી તરફ ક્યાડા પરિવારના સભ્યોએ પિતા અને પુત્રના મૃતદેહને વતનમાં અંતિમ વિધિ માટે ખસેડવા કામગીરી હાથધરી છે.