મકાન લેવાની બાબતે પતિએ થોડી રાહ જોવાનું કહેતા પત્નીએ કર્યો આપઘાત: પુત્રીની હાલત ગંભીર

રાજકોટમાં દિનપ્રતિદિન આપઘાતના પ્રયાસ અને આપઘાતની ઘટનાઓ વધી રહી છે. નાની મોટી બાબતે લોકો જીવન ટૂંકાવી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં કોઠારીયા રોડ પર રહેતા કારખાનેદાર ના પત્નીએ ઝેરી દવા પી પોતાની પુત્રીને પણ પીવડાવી હતી. જેમાં માતાનું મોત નિપજ્યું હતું. મકાન લેવાની બાબતે પતિએ થોડી રાહ જોવાનું કહેતા પત્નીએ આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતા અને સબમર્શિબલનું કારખાનું ધરાવતા ભાર્ગવભાઈ ઢેબરીયા નામના કારખાનેદારની પત્ની પારૂલબેન ઢેબરીયાએ ઝેરી દવા પી પોતાની પાચ વર્ષની માસૂમ બાળકી મિષ્ટીને પણ પીવડાવી દેતા બંને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પારૂલબેનને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતા જ્યારે બાળકીની હાલત નાજુક હોવાથી તેણીને દેખરેખમાં રાખી છે.

સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પારૂલબેનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ભાર્ગવભાઈ ઢેબરીયાને કારખાનું છે. તેઓએ કાર માટે લોન લીધી હતી. તે દરમિયાન પત્ની પારૂલબેનએ મકાન લેવાની જીદ કરી હતી. પરંતુ ભાર્ગવ ભાઈએ કારની લોન પૂરી થયા બાદ મકાન લેવાનુ કહેતા પરિણીતાને લાગી આવ્યું હતું અને ઝેરી દવા પી પોતાની પુત્રીને પણ પીવડાવી દીધી હતી.

જેમાં માતાનું મોત નિપજ્યું હતું અને માસુમ બાળકીને સારવારમાં ખસેડાયી છે. પોલીસે ઘટનાની નોંધ કરી આપઘાત પાછળ મકાનનું કારણ છે કે કઈ અન્ય તે અંગે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.