ગાળાગાળી બાદ મામલો બિચકતા બંને પક્ષો એકબીજા પર હથિયાર વડે તૂટી પડ્યા
શહેરના ચામુંડા નગર વિસ્તારમાં જૂની અદાલતના કારણે બે પક્ષો વચ્ચે સામસામે મારામારીની ઘટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં ગાળાગાળી બાદ મામલો બિચકતા બંને પક્ષો વચ્ચે સહસ્ત્ર અથડામણ થતાં બંને પક્ષે પાચ લોકો ઘવાતાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ચામુંડા નગર વિસ્તારમાં રહેતા રવિભાઈ ખુશાલભાઈ સાગઠીયા (ઉ.વ.35), અંકિત કાનજી વોરા (ઉ.વ.20) અને તેનો ભાઈ કમલેશ કાનજી વોરા (ઉ.વ.24) પર તેના જ વિસ્તારમાં રહેતા મહેશ, સુરેશ સહિતના શખ્સોએ અગાઉ થયેલી માથાકૂટમાં ખાર રાખી પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યાનું જણાવ્યું હતું. જેમાં રવિભાઈ, અંકિત અને કમલેશને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તો સામા પક્ષે પણ હરિભાઈ સવાભાઈ મકવાણા (ઉ.વ.65) અને તેના પુત્ર સુરેશ મકવાણા (ઉ.વ.34) ગઇ કાલે રાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે કમલેશ રાઠોડ, કમલેશ વોરા, રવિ સાગઠીયા અને ભૂરા વોરા સહિતના અજાણ્યા શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો. હોસ્પિટલના બિછાનેથી જાણવા મળ્યા મુજબ જૂની અદાલતનો ખાર રાખી આ શખ્સોએ હુમલો કર્યાનું પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
જે ઘટના અંગે મારે નગર પોલીસ સ્ટેશનમાં જાણ થતા હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.